વડોદરાઃ નંદેસરી વિસ્તારમાં આવેલી દીપક નાઇટ્રેટ કંપનીના એક યુનિટમાં ગઈ કાલે સાંજે ધડાકા સાથે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સાત કામદારોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અન્ય 700 કામદારોને સલામતીનાં કારણોસર અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં આવેલી કંપનીમાં એક બાદ એક છ બ્લાસ્ટ થયા હતા. જે બાદ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં આગ લાગી એ પછી ફાયર બ્રિગ્રેડની 17 ગાડીઓ પહોંચી હતી. આ આગના બનાવમાં બે જણનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે,જ્યારે સાત જણને ઇજા થતાં છાણીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કંપનીમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બે કિલોમીટર આખો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો અને 10 કિમી વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.
એક પછી એક વિસ્ફોટ થયા બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. જેને કારણે આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર આવી ગયા હતા. નંદેસરી ફાયર બ્રિગેડ બનાવના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ વધુ ગંભીર જણાતાં વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.