વડોદરાને ઘેલું કરશે આદિત્ય ગઢવી

ગુજરાતી લોકસંગીત અથવા તો સુગમ કે કાવ્યસંગીતનો કાર્યક્રમ એવું સાંભળીએ એટલે સ્ટેજની આકૃતિ આપણી સામે આવી જાય: વચ્ચે ગાયક-ગાયિકા. એમની આગળ હાર્મોનિયમ. એક તરફ તબલાં, વાયોલિન કે બેલાબહાર જેવાં વાદ્યો. બીજી બાજુ ગિટાર, કી-બોર્ડ વગાડનારા કલાકારો.

અને હા, લાંબો ઝભ્ભો પહેરીને બેઠેલા એક સંચાલક પણ ખરા.

હવે કોઈ એમ કહે કે ચાલીસ બાય ચાલીસ ફૂટથી પણ વધારે સાઈઝનું ભવ્ય સ્ટેજ, એકસાથે સાઠ-સિત્તેરથી વધારે રંગીન લાઈટોનો ઝગમગાટ, સેંકડો ડેસિબલની સાઉન્ડ સિસ્ટમ અને કાર્યક્રમ કોઈ બંધ સભાગૃહમાં નહીં, પરંતુ ખુલ્લા મેદાનમાં. એક-એક ગીત પર યંગસ્ટર્સ ઝૂમે, તાલ આપે, સાથે સૂર પણ પુરાવે તો?

આપણે કહીએ કે આ તો અરિજિતસિંહ કે શ્રેયા ઘોષાલના ઈવેન્ટની વાત છે.

ના, એવું નથી. આવું ગુજરાતી ગીતોમાં પણ શક્ય છે. હમણાં જ આવો શો અમદાવાદમાં થયો અને હવે 4 જૂન ને શનિવારે વડોદરામાં પણ એ થવાનો છે. સ્ટેજ પરથી સૂરનું અજવાળું પાથરશે પ્રતિભાશાળી યુવા ગાયક આદિત્ય ગઢવી. ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ચારણકન્યા  કે કવિ દલપતરામના કાવ્ય મહા હેતવાળી દયાળી જ મા તું… જેવી અનેક રચનાથી પ્રખ્યાત બનેલા આદિત્યએ ગુજરાતી કાવ્યસંગીત-લોકસંગીતના ક્ષેત્રે તદ્દન નવો શો શરૂ કર્યો છે.

ચિત્રલેખા સાથે વાત કરતાં આદિત્ય ગઢવી કહે છે, ‘ગુજરાતી કવિતાઓ કે લોકરચનાઓનો વારસો સમૃદ્ધ છે, છતાં નવી પેઢી સુધી એ પહોંચતો નથી એવી ફરિયાદ હતી. મારું એક સપનું હતું કે આપણી ભાષાની કવિતાઓ-લોકકાવ્યોને હું એવી રીતે રજૂ કરું કે બહુ મોટાં ઑડિયન્સ સુધી એ પહોંચે. આપણી ભાષાની જુદા જુદા સમયની કવિતાઓ-રચનાઓ અમે લીધી છે. પરિણામ એ છે કે આ શોનું સિત્તેર ટકા ઑડિયન્સ યુવા વર્ગમાંથી છે. કોરોના પહેલાં જ એક નવું સ્વરૂપ વિચાર્યું હતું. પછીનાં બે વર્ષ તો કાર્યક્રમો જ નહોતા. હવે આ શો અમે શરૂ કર્યો છે.’

વરુણ સુતરિયાની ઈવેન્ટ કંપની રંગ બાય વરુણ  આ શોના આયોજનની જવાબદારી સંભાળે છે. રચનાઓની પસંદગી, સંગીત સંચાલન, કઈ રીતે મંચ પર એની રજૂઆત કરવી એ બધું આદિત્ય સંભાળે તો વહીવટી પ્રક્રિયા વરુણ અને ગ્રાફિક્સ વગેરે દેવલ પંચાલ સંભાળે છે. આ શોની વિશેષતા એ છે કે આમાં હિંદી ગીત એક પણ નથી. બધી જ ગુજરાતી રચના છે. ગુજરાતી ભાષામાં હાલરડાં, શૌર્યગીતો, મેળાનાં ગીત, પ્રસંગરચના, રાસ, સ્ત્રીસંવેદન એવી અનેક કૃતિ છે અને આ શોમાં એ બધું જ છે.

આદિત્ય ગઢવી ઉમેરે છે, ‘અમારી આખી ટીમ તો સો વ્યક્તિની છે. અમારો કન્સેપ્ટ જ એ હતો કે કૈલાસ ખેર કે અરિજિતસિંહ કે એવા કોઈ પણ કલાકાર પોતાનો શો કરે છે એ જ સ્કૅલ પર આપણે આપણું મ્યુઝિક કેમ રજૂ ન કરીએ? લાઈટો, એલઈડી બધું જ એવી રીતે રાખ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ લાગે. વડોદરા પછી સુરત અને રાજકોટમાં પણ આ શો લઈને જવાના છીએ.’ વડોદરાની આ ઇવેન્ટમાં ચિત્રલેખા મિડિયા પાર્ટનર છે.

ગુજરાતી કાવ્યસંગીત કે લોકસંગીતનું પોત જરા પણ ઘવાય નહીં એ રીતે અને છતાં આધુનિક ટેક્નોલૉજીથી પ્રસ્તુત કરવાનું નોંધપાત્ર કામ યુવા ગાયક આદિત્ય ગઢવીએ કર્યું છે.

(જ્વલંત છાયા)