ભાવનગરમાં રોગચાળો વકર્યો, 2450 પાણીજન્ય રોગના કેસ નોંધાયા

ભાવનગર: ભારે વરસાદ બાદ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. એ વચ્ચે શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળો વધ્યો છે અને છેલ્લા દોઢ માસમાં 2450 પાણીજન્ય રોગ નોંધાતા સ્થાનિકોમાં ચકચાર મચી ગયો છે. રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોએ દર્દીઓની ભીડ જામી રહી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો અટકાવવા મહાપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. આરોગ્ય ટીમ દ્વારા ઘરે ઘરે જઈ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી અને આરસી ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતાં.

સરકારી આંકડા પ્રમાણે મળતી માહિતી અનુસાર શહેરમાં છેલ્લા દોઢ માસમાં એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાણીજન્ય રોગના 2450 કેસ નોંધાયા છે. જેમાં ઝાડા, શરદી-ઉધરસ, શંકાસ્પદ ટાઈફોઈડ વગેરેના કેસનો સમાવેશ થાય છે. જયારે વાહક જન્ય રોગના 10 કેસ નોંધાયા છે. જેમાં મેલેરીયાના 3 અને ડેન્ગ્યુના 7 કેસનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે તેથી આરોગ્ય વિભાગ દ્વારા મોન્સુન એકટીવી અંતર્ગત ફીલ્ડમાં ઘરે ઘરે જઈને પાણીજન્ય અને વાહક જન્ય રોગોના નિયંત્રણની કામગીરી કરવામાં આવતી હોય છે. હાલ રોગચાળો વધતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત અન્ય દવાખાના અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની કતાર જોવા મળતી હોય છે.