ગુજરાતમાંથી રાજ્યસભામાં રાજ્ય બહારના ચૂંટાયેલા મહાનુભાવો

અમદાવાદઃ રાજ્યસભા માટે ત્રણ રાજ્યોની 10 બેઠકો પર 24 જુલાઈએ મતદાન થવાનું છે, જેમાં ગુજરાતની ત્રણ સીટો સામેલ છે. ગુજરાતમાં વિદેશપ્રધાન એસ. જયશંકરે, બાબુભાઈ દેસાઈએ અને કેસરીદેવસિંહ ઝાલાએ ઉમેદવારીપત્ર ભર્યું છે. રાજ્યસભામાં ઉમેદવારીપત્ર ભરવાનો આવતી કાલે છેલ્લો દિવસ છે.

જોકે રાજ્યસભામાં ઉમેદવારી કરનારા મહાનુભાવોમાં એક બિનગુજરાતી છે, જ્યારે અન્ય બે ઉમેદવારો ગુજરાતી છે. જોકે આ પહેલાં પણ રાજ્યસભાની ગુજરાત બેઠક પરથી અનેક બિનગુજરાતીઓએ ઉમેદવારી કરી છે. જેમાં મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણી (રામદાસ ગાંધીના પુત્રી)એ કોંગ્રેસમાંથી (વર્ષ- 1972-78) ઉમેદવારી કરી હતી.

ત્યાર બાદ ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણી રાજ્યસભા માટે ગુજરાતમાંથી (વર્ષ-1976-82) સુધી ઉમેદવારી કરી હતી. એ પછી કોંગ્રેસના અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજ્યસભા માટે ગુજરાતમાંથી (1981-87) સુધી ઉમેદવારી કરી હતી.  રાજ્યસભા માટે ગુજરાતમાંથી ઉમેદવારી કરનાર બિનગુજરાતી ઉમેદવારોમાં જનતા પક્ષ-સ્વતંત્ર પક્ષના નેતા પીલુ મોદી (1978), ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. શિવશંકરે (1985-87) કોંગ્રેસમાંથી બે વાર (1987-93) માટે પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ સિવાય ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ બાંગારુ લક્ષ્મણે રાજ્યસભા માટે (1996-2002) ગુજરાત માટે ઉમેદવારી કરી હતી અને કેન્દ્રીય પ્રધાન યોગેન્દ્ર કે. અલઘે (1996-2000) સુધી અને ભૂતપૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીએ ત્રણ વાર (2000-18) સુધી ઉમેદવારી કરી હતી.

આ સાથે ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જના કૃષ્ણમૂર્તિએ (2002-08), કેબિનેટપ્રધાન સ્મૃતિ ઇરાનીએ બે વાર (2011-23) સુધી ઉમેદવારી કરી હતી. ત્યાર બાદ તેઓ અમેઠીમાં લોકસભામાંથી ચૂંટાઈ આવતાં રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. હવે ગૃહપ્રધાન અમિત શાહ લોકસભામાંથી ચૂંટાઈ આવતાં વિદેશપ્રધાને એસ. જયશંકરે ખાલી બેઠક પરથી બીજી વાર ઉમેદવારી કરી છે.