ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો દીક્ષાંત સમારોહ સંપન્ન

અમદાવાદઃ ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતીએ આયોજિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા અને આર્ષ વિદ્યામંદિર-રાજકોટના પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વિદ્યાર્થીઓને પદક અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. UGC દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને કેટેગરી-૧ યુનિવર્સિટી જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય મૂલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ-નેક દ્વારા આ યુનિવર્સિટીને A++ ઉચ્ચતમ ગ્રેડ મળ્યો છે. આ બંને સન્માન મેળવનાર ગુજરાતની સૌપ્રથમ યુનિવર્સિટી બનતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં યુનિવર્સિટીના સંચાલકોને અભિનંદન આપ્યાં હતાં.

આ દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે પદવી હાંસલ કરનાર વિદ્યાર્થીઓએ જીવનમાં સત્યનું આચરણ અને ધર્મનું પાલન કરવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને વિચાર, વાણી અને કર્મમાં હંમેશાં પવિત્રતા જાળવવાની શિખામણ આપી હતી.

આ દીક્ષાંત સમારોહમાં શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આપણું શિક્ષણ પણ બહુવિધ હેતુઓ આધારિત હોવું જરૂરી છે. શિક્ષણ વિદ્યાર્થીઓને તેની સામાજિક અને નૈતિક જવાબદારીઓ સુપેરે નિભાવતાં શીખવાડે તે જરૂરી છે.

આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ વૈદિક શિક્ષણની જરૂરિયાત અને તેના મહત્વ વિશે સમજાવતાં જણાવ્યું હતું કે ‘Edu for all’ ના ધ્યેયમંત્ર સાથે કાર્ય કરતી ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પણ અનેકવિધ ઉમદા શૈક્ષણિક પ્રકલ્પો થકી સમાજ માટે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનું કાર્ય કરી રહી છે.

આ પદવીદાન પ્રસંગે BAOU ના કુલપતિ અમી ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે ભારતની આ એકમાત્ર સ્ટેટ ઓપન યુનિવર્સિટીને NAAC દ્વારા A++ રેન્ક પ્રાપ્ત થયો છે તથા UGC દ્વારા પણ પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે, જે અમારી આયોજનબદ્ધ શિક્ષણ પદ્ધતિની સાબિતી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

આઠમા પદવીદાન સમારોહમાં આજે મહાનુભાવોને હસ્તે ૩૭ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક, ૩૯ વિદ્યાર્થીઓને રજત ચંદ્રક, ૧૦ વિદ્યાર્થીઓને વિદ્યાવાચસ્પતિની ઉપાધિ, ૩૬૧૭ વિદ્યાર્થીઓને સ્નાતકોત્તર ઉપાધિ, ૧૪,૨૬૬ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી, ૨૪૮ વિદ્યાર્થીઓને ડિપ્લોમાની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૪૮૫૦ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ડિગ્રી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે અન્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ, મહાનુભાવો, શિક્ષણવિદ્, યુનિવર્સિટીના એકેડેમિક પ્લાનિંગ બોર્ડના સભ્યો, પ્રાધ્યાપકો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ડૉ. ભાવિનભાઈ ત્રિવેદીએ આભાર દર્શન કર્યું હતું.