ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ એટલે કે ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવી છે. જો કે આ છૂટછાટ નિયમો અને શરતોને આધિન રહેશે.
નાના મોટા ધંધાર્થીઓને આપવામાં આવેલી છૂટ શરતોને આધિન છે. જેમાં ધંધો કે દુકાનનું સ્થળ કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવું જરૂરી છે.તેમાં 50 ટકા સ્ટાફ જ રાખવાનો રહેશે. માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ પાળવું ફરજિયાત છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારો સ્થાનિક સત્તામંડળે નક્કી કરેલા હોવા જોઈએ. સાથે જ IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
મહત્વનું છે કે, રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં, આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.