કોરોના સંક્રમણથી બચવા લોકો આયુર્વેદ-હોમિયોપથીના રસ્તે

ગાંધીનગર: કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેમને કવોરંટાઇન કરાયેલા છે તે પૈકી ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ – હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે.

આશ્ચર્યજનક બાબત એ છે કે કવોરંટાઇન વ્યક્તિઓમાં જે ૯૧,૩૪૧ લોકોએ આયુર્વેદ – હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી તે પૈકી માત્ર ૧૫ દર્દીઓના જ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ ૧૫ દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.

આ સમયમાં શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રેષ્ઠ આરોગ્ય જાળવવામાં બીમાર થયા બાદ સારવાર કરતા પૂર્વ સંભાળ લેવીએ અત્યંત અનિવાર્ય છે. આયુષ મંત્રાલયે ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિથી ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે.

ડૉ. જયંતિ રવિએ કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિતવધારવી એ જ ઉત્તમ ઔષધ અને શ્રેષ્ઠ ઉપચાર છે. રાજ્યમાં દોઢ મહિનામાં ૧.૧૮ કરોડ ઉકાળા, ૩.૦૮ લાખ શમશમવટી અને ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.

આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા-શમશમવટીનો ઉપયોગ વધારવા નાગરિકોને અપીલ કરી છે. રાજય સરકાર હસ્તકના પ૬૮ આયુર્વેદ દવાખાના, ૩૮ આયુર્વેદ હોસ્પીટલ અને ૨૭૨ હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ ઉપરથી જાણી શકાશે. આ ઉપરાંત ગુજરાત રાજયની વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે.