ગુજરાતમાં ટ્રાફિક નિયમો માટે ડ્રાઇવ, DGPનો સરકારી કર્મચારીઓને અનુરોધ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ સરકારને ટ્રાફિક નિયમોને લઈ અવાર નવાર ટકોર કરવામાં આવતી હોય છે. પરંતુ ટ્રાફિક નિયમોનું પૂર્ણ પાલન થતું નથી. લોકોને ટ્રાફિક નિયમોનું ભાન કરવવા માટે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન થતુ હોય છે. ફરી એક વખત આવી જ એક ટ્રાફિક ડ્રાઈવ યોજાશે. ખાસ કરીને, સરકારી કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સામાન્ય નાગરિકો માટે રોલ મોડેલ તરીકેની ભૂમિકા ભજવે છે કે નહીં, તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ અંગે ડીજીપી ગુજરાત તરફથી એક પોસ્ટ કરી માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના DGP તરફથી સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ કરવામાં આવી છે. તેમણે જણાવવામાં આવ્યું છે કે, ‘ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓ, રાજ્યના જવાબદાર નાગરિકો તરીકે તમારા બધા પાસેથી બીજાઓ માટે રોલ મોડેલ બનવાની અપેક્ષા રાખવામાં આવે છે. આજે તમે બધા ટ્રાફિક નિયમોનું પાલન કરવાની, ખાસ કરીને હેલ્મેટ પહેરવાની પ્રતિજ્ઞા લો તો હું તેને બિરદાવીશ.’ વધુ માં તેમણે જણાવ્યું કે, ‘આવતીકાલથી તમામ પોલીસ યુનિટને પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. કૃપા કરીને સહયોગ આપો. જય હિંદ.’ ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે પણ પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે સરકારી કચેરીઓમાં ડ્રાઈવ કરી હતી. જેમાં પોલીસ વિભાગ પણ સામેલ હતો. આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગરના 616 કેસો કરવામાં આવ્યા હતા. જ્યારે 3,28,100 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત 307 અન્ય કેસો કરવામાં આવ્યા હતા અને 1,66,200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એક દિવસની ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.