ગુજરાત સરકારે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં કરાર આધારિત ફરજ બજાવતા ડોક્ટરો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ નિર્ણય આજથી એટલે 9 ઓક્ટોબર લાગુ થશે. આ વેતન વધારાનો લાભ ખાનગી પ્રેક્ટિસ સિવાયના વર્ગ-1 અને વર્ગ-2ના તબીબી શિક્ષકોને મળશે. આ પ્રોફેસરોનો 35000થી 65000 સુધી પગાર વધશે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા અને મેડિકલ વિદ્યાર્થીને ગુણવત્તા શિક્ષણ એ જ સરકારની પ્રાથમિકતા છે. રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કહ્યું હતું કે તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાને પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ્ટ નિવારવામાં મદદ મળશે. સરકારી મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજ બજાવતા તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાનો લાભ મળશે.
