શાંતિકુંજ તરફથી ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’ અંતર્ગત ગુજરાત, મુંબઈમાં ગંગાજળનું વિતરણ

અમદાવાદ/મુંબઈ: તીર્થ નગરી હરિદ્વારમાં 2021નું વર્ષ કુંભનું વર્ષ છે. વિશ્વનો સૌથી મોટો મેળો હરિદ્વારમાં યોજાવાનો છે. કોવિડ-19ના ફેલાવાને કારણે આ વખતનો કુંભ મેળો ન ભવ્ય હશે ન તો એમાં ભીડ હશે. આ વખતનો કુંભ મેળો માત્ર 28 દિવસનો જ હશે, જે 1 એપ્રિલથી 28 એપ્રિલ સુધીનો હશે. આ વર્ષમાં શાંતિકુંજ પરિવાર એક મહત્ત્વાકાંક્ષી યોજના ચલાવે છે – ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’. આ અંતર્ગત ગાયત્રી પરિજન ભારત તથા વિશ્વના અનેક દેશોમાં શ્રદ્ધાળુઓને ગંગાજળ પહોંચાડે છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો. પ્રણવ પંડ્યાએ કહ્યું છે કે આ એક સુખદ સંયોગ છે કે હરિદ્વારમાં મહાકુંભ અને શાંતિકુંજનું સ્વર્ણ જયંતી વર્ષ, એમ બંને સાથે છે. કોરોના રોગચાળાને કારણે અનેક શ્રદ્ધાળુઓ આ વર્ષે હરિદ્વાર પહોંચી શકતા નથી. એમને ગંગાજળ અને યુગ સાહિત્યની પ્રસાદી એમને ઘરદ્વાર પહોંચાડવામાં આવી રહ્યાં છે. આ ક્રમ ગત્ મકરસંક્રાંતિ પર્વથી શરૂ કરાયો છે અને આગામી ત્રણ મહિના સુધી ચાલશે.

યોજનાને વેગ આપવા માટે શાંતિકુંજના યુવા પ્રતિનિધિ ડો. ચિન્મય પંડ્યા પણ પ્રવાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક હસ્તીઓ સુધી ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, જેમ કે, મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, બોલીવૂડ અભિનેતા ગોવિંદા, ગાયક કૈલાશ ખેર, અનુપ જલોટા, ગાયિકા અનુરાધા પૌડવાલ વગેરે.

ગુજરાતમાં શરૂ થઈ ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’ યોજના

સમગ્ર દેશમાં ચાલી રહેલી શાંતિકુંજની ઝુંબેશની ગુજરાત રાજ્યમાં શરૂઆત ગાંધીનગર જિલ્લાના માણસાથી કરવામાં આવી. ગુજરાતને 8 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. આ દ્વારા દોઢ લાખ ઘર સુધી ગાયત્રી પરિવારના પરિજન ગ્રુપ બનાવીને ઘર-ઘર સુધી ગંગાજળ, યુગ સંદેશનું આધ્યાત્મિક વાતાવરણ સાથે વિતરણ કરી રહ્યાં છે. ઓછામાં ઓછા દસ લાખ નવા પરિવારોમાં ગંગાજળ, દેવસ્થાપના, ચિત્ર, સામગ્રી, ગાયત્રી યજ્ઞ ઉપાસના પદ્ધતિ, કુંભ પર્વ મહાત્મ્ય પહોંચાડવામાં આવી રહ્યાં છે.