અમદાવાદઃ ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણાં વર્ષોથી ગાંધીનગરની સરકારી શાળામાં ભણતાં વંચિત બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર-૨માં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સામગ્રીના વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાનાં આચાર્ય મીનાક્ષીબહેન ઉપાધ્યાયે સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારીને ઉદગમ ટ્રસ્ટના દ્વારા શાળામાં કરવામાં આવતાં કાર્યોની માહિતી આપી હતી.
આ કાર્યક્રમના મહેમાનપદે પધારેલા ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલે ઉદગમનાં કાર્યોને બિરદાવતા સંપૂર્ણ સાથ-સહકારની ખાતરી આપી હતી. જશવંતભાઈ પટેલે સુંદર વેલકમ કાર્ડ બનાવનાર શાળાના બાળકોને ખાસ બિરદાવ્યા હતા. વોર્ડ નં-૯ના નગરસેવકો રાજુભાઈ પટેલ અને સુનીલભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં શાળાનાં વંચિત બાળકોને અભ્યાસ સારું ફુલસ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સ્કેચપેન અને ડ્રોઇંગ બુકની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાહિત્યકાર અને કટાર લેખક સંજયભાઈ થોરાટ સ્વજને બાળકોને કલ્પવૃક્ષની બોધ વાર્તા કહીને ખુબ આનંદિત કરી દીધાં હતાં. ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો મયૂર જોષીએ સાથોસાથ પધારેલા મહાનુભાવો અને દાતાઓનો આભાર માન્યો હતો. ઉદગમ ટ્રસ્ટના સર્વે ઈંટર્ન્સને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉદગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષી, મનોજભાઈ જોશી, જયપ્રકાશ ભટ્ટ, સંજયભાઈ થોરાટ, નીલેન્દુ વોરા, કીર્તિભાઇ જોષી, લાયન્સ ક્લબના ડો. અમ્રતભાઈ પટેલ, એલ. કે. વાઘેલા,વિવેકસિંહ ચૌહાણ, તરુણ, પ્રથમસિંહ, નિચિકેત,દિપક, મુકુલ, ઓમ, અદિતિ, મીરા, દર્ષ્ટિ, પ્રથમ, મિહિર, દેવાંશુ, કપિલ, કૌશલ, કાવ્યા, વગેરે સ્વયંસેવકો સાથે શાળાનાં આચાર્ય મીનાક્ષીબહેન ઉપાધ્યાય અને શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યાં હતાં.