ભારતીય કોસ્ટ ગાર્ડનું બિરદાવવા લાયક કામ, મધ દરિયે યુકે સન્સ જહાજમાં ફસાયેલા 5 ક્રૂને બચાવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સ્થિત ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ અભિકે બેપોર (કેરળ) નજીક દરિયામાં ફસાયેલી “યુકે સન્સ” બોટમાંથી 05 માછીમારોને બચાવવા માટે એક સાહસિક મિશન હાથ ધર્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડનું જહાજ કોચીથી ઓખા જઈ રહ્યું હતું. યુકે સન્સ નામની ફિશિંગ બોટ 05 ક્રૂ સભ્યો સાથે 30 જૂન 2023 ના રોજ બેપોરથી દરિયામાં રવાના થઈ. ત્યારબાદ હવામાન વધુ ખરાબ થતા ભારે મોજાં અને તરંગોને કારણે બોટ કોઈપણ માછીમારી બંદરોમાં પ્રવેશી શકી ન હતી.

 

06 જુલાઇ 2023 ના રોજ બેપોર ખાતેના ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશનને જાણ કરી કે હવામાન વધુ ખરાબ થઈ ગયું છે. આના પરિણામે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપને સલામત સ્થળાંતર માટે ડાયવર્ઝન કરવામાં આવ્યું. ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ અભિક ઝડપથી ઘટનાસ્થળે પહોંચી ગયું. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ છતાં ICGS અભિકના ક્રૂના પ્રયત્નો અને હિંમતને પરિણામે સમુદ્રમાં તમામ 05 લોકોનો સફળ બચાવ થયો. પ્રતિકૂળ હવામાનમાં માછીમારોને બચાવવાનો તેમનો પ્રયાસ દરિયાઈ સુરક્ષા માટે ભારતીય કોસ્ટ ગાર્ડની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે અને તે સેવાના સૂત્ર “વયમ રક્ષામહ” એટલે કે “અમે રક્ષણ કરીએ છીએ” સાથે સુસંગત છે.