માનહાનિ કેસઃ રાહુલ ગાંધીને બે વર્ષની સજા, જામીન પર છુટકારો

સુરતઃ લોકસભા ચૂંટણી 2019માં કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી અટકવાળા નિવેદનને લઈને માનહાનિના એક કેસમાં રાજ્યની સુરત સેશન્સ કોર્ટે તેમને દોષી ઠેરવ્યા છે. તેમને આ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે તેમને રૂ. 1000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જોકે તેમને આ જ કોર્ટમાંથી રૂ. 10,000માં જામીન મળી ગયા છે. જોકે તેમની આ સજા પર કોર્ટે 30 દિવસનો સ્ટે લગાવ્યો છે. જેથી તેઓ ઉપલી કોર્ટમાં જઈ શકે.

રાહુલ ગાંધીના વકીલ બાબુ માંગુકિયાએ કોર્ટમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે  કોર્ટે કલમ 499 અને 500 હેઠળ રાહુલ ગાંધીને બે વર્ષની સજાનું એલાન કર્યું હતું. જોકે તેમને સંભળાવાયેલી સજા પર 30 દિવસનો સ્ટે આપવામાં આવ્યો છે, અને કોર્ટે તેમને જામીન આપી દીધા છે. કોંગ્રેસ દ્વારા નીચલી કોર્ટના ફેસલાને ઉપલી કોર્ટમાં પડકારવાનું પણ એલાન કરવામાં આવ્યું છે.

કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મેં કોઈ ઇરાદાપૂર્વક નિવેદન આપ્યું નથી. મારો ઇરાદો ખોટો નહોતો, ભ્રષ્ટાચાર સામે મેં અવાજ ઉઠાવ્યો હતો. કોઈને અપમાનિત કરવાનો મારો હેતુ ન હતો. હું નામદાર કોર્ટના ચુકાદાને આવકારું છું.

રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કર્ણાટકના બેંગલુરુ પાસે કોલારમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ચૂંટણી સભામાં કહ્યું હતું કે બધા ચોરોની અટક મોદી કેમ હોય છે. મોદીની અટક અંગે રાહુલના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. માનહાનિના આ કેસમાં સુરતની કોર્ટે આજે ચુકાદો આપીને રાહુલ ગાંધીને IPC 504 મુજબ સુરતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે.

બચાવ પક્ષના વકીલે રાહુલ ગાંધી દોષિત જાહેર થતાં જ કહ્યું હતું કે અમે આ કેસને લઈને હાઇકોર્ટમાં જઈશું. જોકે અમને પૂર્ણ ભરોસો છે કે હાઈકોર્ટમાંથી અમને અલગ ચુકાદો મળશે. ફરિયાદી પક્ષ વકીલ તરફથી દલીલ કરવામાં આવી કે કાયદાના ઘડનારા જ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને માફ કરી શકાય નહીં. જેથી તેમને સજા થાય એ માટેની દલીલ કરવામાં આવી છે.