નવી દિલ્હીઃ દ્રોપદી મુર્મુ દેશનાં 15 રાષ્ટ્રપતિ બની ગયાં છે. તેમને કુલ 64.03 ટકા મતો મળ્યા છે. અહેવાલો છે કે તેમની તરફેણમાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયું છે. મુર્મુએ યશવંત સિંહાને જંગી મતોથી હરાવ્યા હતા. મુર્મુ અને સિંહા વચ્ચેની રાષ્ટ્રપતિપદની લડાઈમાં 17 સાંસદોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. ભાજપના નેતાઓનો દાવો છે કે 100થી પણ વધુ વિપક્ષના નેતાઓએ ક્રોસ વોટિંગ કર્યું હતું. સૌથી વધુ ક્રોસ વોટિંગ આસામમાં થયું હતું.
ભાજપના નેતાઓએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુની જીતને ઐતિહાસિક ગણાવી હતી. વડા પ્રધાન મોદીએ તેમને જીતના અભિનંદન આપતાં શુભકામનાઓ આપી હતી. ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાએ પણ જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાએ વિજયી થવા બદલ દ્રોપદી મુર્મુને ટ્વીટ કરીને અભિંદન આપ્યાં હતાં. જોકે ગુજરાતના 10 વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, જેમાં ગુજરાત કોંગ્રેસના સાત વિધાનસભ્યો હતા. રાજ્યમાંથી 178 વિધાનસભ્યોએ મત આપ્યા હતા, જેમાંથી દ્રોપદી મુર્મુને 121 મત મળ્યા હતા, જ્યારે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને 57 મતો મળ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના આદિવાસી વિધાનસભ્યોએ પાર્ટી વિરુદ્ધ જઈને દ્રોપદી મુર્મુ માટે ક્રોસ વોટિંગ કર્યું હોવાની શક્યતા છે. કોંગ્રેસના કુલ 64 મતોમાંથી યશવંત સિંહાને 57 મતો મળ્યા હતા. આમ કોંગ્રેસના સાત વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું.ગુજરાત કોંગ્રેસની ત્રિપુટી ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના એક-એક વિધાનસભ્યે ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. રાજ્યમાં એક બાજુ વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના સાત વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની વાત કોંગ્રેસ માટે ચિંતાજનક છે કેમ કે વિધાનસભાની ચૂંટણી પહેલાં આ વિધાનસભ્યો ભાજપમાં જવાની આશંકા છે. જેથી કોંગ્રેસ રાજ્યમાં વધુ નબળી પડે એવી શક્યતા છે. જો કોંગ્રેસ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો પક્ષને વધુ એક ફટકો લાગશે.