સ્પોર્ટસ ઇવેન્ટના આયોજન માટે ગુજરાત સંપૂર્ણ સુસજ્જ: CM

ગાંધીનગરઃ દેશમાં ખેલકૂદ ક્ષેત્રનો સુવર્ણ કાળ આવ્યો છે. ભારતમાં સ્પોર્ટિંગ કલ્ચર, સ્પોર્ટિંગ કોમ્યુનિટી અને ડિસિપ્લિન વિકસી રહ્યા છે. ફિટ ઇન્ડિયા જેવી ઝુંબેશ ચલાવીને વડા પ્રધાને દેશમાં સ્પોર્ટસ અને ફિટનેસનો એક જુવાળ ઊભો કર્યો છે. વડા પ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતે વ્યાપક ફલક પર સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે. ગુજરાત આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધાઓ અને ઓલિમ્પિક જેવી મેગા સ્પોર્ટસ ઈવેન્ટ્સ યોજવા માટે સજ્જ બની રહ્યું છે તેમાં આ ૩૬મી નેશનલ ગેમ્સ પૂરક બનશે, એમ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.

રાજ્યમાં ર૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધીમાં યોજાનારી ૩૬મી નેશનલ ગેમ્સના લોગોના લોન્ચિંગ તેમ જ આ ગેમ્સના સફળ આયોજન માટે ગુજરાત સરકાર,  ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિયેશન તથા ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિયેશન વચ્ચે ત્રિપક્ષી સમજૂતી કરાર-MoU ગાંધીનગરમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં સંપન્ન થયા હતા.

નેશનલ ગેમ્સના ભવ્ય આયોજનને પાર પાડવા આ MoU આધાર સ્થંભ બની રહેશે. ૩૬મી નેશનલ ગેમ્સના લોગો સંદર્ભે તેમણે કહ્યું હતું કે ગુજરાતની આગવી ઓળખ એવા ગીરના સિંહ અને વિવિધ રમત ચિહ્નોને આ લોગોમાં સ્થાન મળ્યું છે. ગુજરાતની અસ્મિતા, ખમીર સાથે-સાથે ખેલકૂદનું ઝનૂન આ લોગોમાં ઝળકી રહ્યું છે. ૩૬મી નેશનલ ગેમ્સનો લોગો રમતવીરોમાં નવી ઊર્જા, નવા ઉત્સાહનો સંચાર કરશે એવી અપેક્ષા છે, એમ તેમણે કહ્યું હતું.

રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ગેમ્સનું યજમાનપદ ગુજરાતને મળવા બદલ ગૌરવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે  દેશના વડા પ્રધાન અને મુખ્ય મંત્રીના નેતૃત્વમાં દ્રઢ ઇચ્છાશક્તિથી દેશના યુવાઓ અને રાજ્યના રમતવીરોને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન, ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસિયેશન અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતમાં નેશનલ ગેમ્સ -૨૦૨૨નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશનના એક્ટિંગ પ્રેસિડેન્ટ અનિલ ખન્નાએ જણાવ્યું હતું કે ૩૬મી નેશનલ ગેમ્સ માટે ગુજરાત હવે નેશનલ ગેમ્સની કમાન સંભાળવા તૈયાર છે. દેશનાં ઇતિહાસમાં પ્રથમ વાર એવું થવા જઈ રહ્યું છે કે ૩૬મી નેશનલ ગેમ્સમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમતવીરો ૩૬ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છે. નેશનલ ગેમ્સના ઇતિહાસમાં આ વર્ષે સૌથી વધુ ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાત વર્ષના લાંબા સમય બાદ નેશનલ ગેમ્સ યોજવા જઈ રહી છે અને ગુજરાતે માત્ર ત્રણ મહિનાથી ઓછા સમયમાં તેનું સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે.

આ પ્રસંગે ઇન્ડિયન ઓલમ્પિક એસોસિયેશનના સેક્રેટરી જનરલ રાજીવ મહેતા, ગુજરાત રાજ્ય ઓલમ્પિક સંઘના સચિવ આઇ.ડી.નાણાવટી તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સચિવ  રોહિત ભારદ્વાજ સહિતનાં અધિકારીશ્રીઓ ઉપરાંત રાજ્ય અને જિલ્લા સ્તરના સંગઠનના પ્રતિનિધિઓ, કોચ તથા ટ્રેનરો સહિત પ્રતિભાશાળી ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.