રાજ્યમાં ઉત્તર, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ શનિવાર-રવિવારે ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

પાકિસ્તાનના દરિયામાં લો પ્રેશર સક્રિય થયું છે, જે ગુજરાત બાજુ ફંટાયું છે જેથી આ લો પ્રેશરને કારણે અમદાવાદ સહિત રાજ્યમાં 23થી 27 જુલાઈમાં મધ્યમથી ભારે વરસાદ પડે એવી શક્યતા છે. અમદાવાદમાં લો પ્રેશરની અસર શુક્રવાર રાતથી જ વર્તાવાની શરૂ થશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે તેમ જ અતિભારે વરસાદ પડે એવી વકી છે.હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ,બનાસકાંઠા,પાટણ,મહેસાણા,ગાંધીનગર,અરવલ્લી, સુરેન્દ્રનગર અને મોરબીમાં ઓરેન્જ જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધે એવી ધારણા છે.

રાજ્યમાં ચોમાસાની સીઝનમાં 20.25 ઈંચ સાથે 60 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં સીઝનનો 104 ટકા, ઉત્તર ગુજરાતમાં 36 ટકા, મધ્ય ગુજરાતમાં 51 ટકા, સૌરાષ્ટ્રમાં 58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 75 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગાંધીનગરના માણસા, સાબરકાંઠામાં પ્રાંતિજ, અરવલ્લીમાં ધનસુરા અને વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે.