ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે e-FIR સુવિધાનો પ્રારંભ થશે

 ગાંધીનગરઃ રાજ્યમાં નાની ચોરી જેવી કે મોબાઇલ કે વાહન ચોરીની ફરિયાદ ઓનલાઇન થઈ શકશે. રાજ્યના નાગરિકોને વાહન ચોરી અથવા મોબાઇલ ફોન ચોરીની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. રાજ્યના નાગરિકો હવે ઘરે બેઠા ઓનલાઇન સેવા થકી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકશે, જેમાં પોલીસ દ્વારા ૩૦ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે e-FIR  સેવાઓનું ઉદઘાટન ગૃહપ્રધાન અમિત શાહને હસ્તે થશે. શાહ એક દિવસની રાજ્યની મુલાકાત વખતે મનપાની મુલાકાત પણ લેશે. ફરિયાદ કર્યાના 48 કલાકમાં સંબંધિત સ્ટેશન ફરિયાદકર્તાનો સંપર્ક કરશે અને ચોરીની જગ્યાની મુલાકાત લેશે.

જોકે દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે અને e-ફરિયાદ ત્યારે લેવામાં આવશે, જેમાં કોઈને ઇજા ના થઈ હોય. પોલીસને એક ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી છે, જેમાં ફરિયાદનો ઉકેલ લાવવાની જરૂર છે. જો ફરિયાદનો નિકાલ નહીં આવે તો સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પોલીસ વિભાગે નાગરિક પ્રથમ એપ પર લોગ ઓન કરવાનું રહેશે.

તેમણે eFIR સેવાઓની વિગતો આપતાં કહ્યું હતું કે FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સામેથી સંપર્ક કરશે અને વાહન ચોરી-મોબાઇલ ફોન ચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે. 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલશે. આ ઓનલાઇન ફરિયાદ નોંધાયા અંગેની તથા તપાસમાં થયેલી પ્રગતિની જાણ પણ ફરિયાદીને Email-SMSથી કરવામાં આવશે. પોલીસ દ્વારા વીમા કંપનીને પણ Email/SMS દ્વારા જાણ કરવામાં આવશે, જેથી ફરિયાદીને તેનો વીમા ક્લેમ સરળતાથી મેળવવામાં મદદરૂપ થશે. આ રીતે e-FIR ઓનલાઈન સેવા થકી રાજ્યના નાગરિકોને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવવાની હવે જરૂર નહીં રહે.