રાજકોટમાં ક્રિકેટ ફીવરઃ ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા વચ્ચેનો છેલ્લી વનડે

રાજકોટઃ શહેર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ ફીવરમાં જકડાયું છે. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ વનડે મેચની ત્રીજી મેચ આવતી કાલે રાજકોટમાં રમાનાર હોઈ આજે બંને ટીમનું આગમન થયું હતું અને બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી. રાજકોટમાં બંને ટીમનું સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ભવ્ય સ્વાગત હોટેલ ઉપર કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ટીમનું હોટેલના સ્ટાફે રાસ-ગરબા સાથે સ્વાગત કર્યું ત્યારે ક્રિકેટચાહકો હોટેલ પર ઊમટી પડ્યા હતા. ઇન્દોરથી ચાર્ટડ ફલાઇટમાં બંને ટીમો રાજકોટ પહોંચી હતી.

રાજકોટ – જામનગર હાઈવે પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના આધુનિક ગ્રાઉન્ડ ઉપર બંને મજબૂત ટીમ વચ્ચે વનડે ખેલાશે. આ સિરીઝમાં ભારતે અગાઉની મોહાલી અને ઇન્દોરની મેચ જીતી લઇને શ્રેણી ઉપર કબજો કરી લીધો છે, પરંતુ વર્લ્ડ કપ પૂર્વે આ છેલ્લી વનડે મેચ હોવાથી વિશ્વની નજર મંડાયેલી છે. વિશ્વ કપમાં આ બંને ટીમ હોટ ફેવરિટ છે.

રાજકોટના એસીએના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં કાલે 11મી આંતરરાષ્ટ્રીય મેચ અને ચોથી વનડે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અગાઉ ત્રણ વનડે રાજકોટમાં રમાઈ છે તેમાં એક રાજકોટ કોર્પોરેશનના ગ્રાઉન્ડ ઉપર અને છેલ્લે 2020માં ખંધેરીમાં મેચ રમાઈ હતી. રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ એ બેટિંગ પિચ છે તેને ધ્યાનમાં લઈ બંને ટીમો વ્યૂહરચના ઘડશે.

ઇન્ડિયાની ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ અને ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ ક્યુમિન્સની આગેવાની હેઠળ મેદાનમાં ઊતરશે. ઇન્ડિયાની ટીમમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજાના પરફોર્મન્સને જોવા ચાહકો અધીરા બન્યા છે. આ મેચની સુરક્ષા માટે 500 જેટલા પોલીસ જવાનો અને ખાનગી સિક્યુરિટીની મદદ લેવામાં આવી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)