EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

ગાંધીનગરઃ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેને અનુલક્ષીને ચૂંટણીપ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

રાજ્યના 33 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા flc સુપરવાઇઝર્સ ને તાલીમ આપવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા એકદિવસીય વર્કશોપમાં કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપ સચિવ ઓ. પી. સહાની તથા સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ. બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતા પ્રથમ તબક્કાના FLC વર્કશોપના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. EVMની કેટેગરી મુજબ સ્ટોરેજ, EVM વેરહાઉસની સુરક્ષા અને EVMના ટ્રાન્સપોર્ટેશન કેશિફ્ટિંગ સમયે અનુસરવાની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરીને તેમણે ચૂંટણી પૂર્વે, ચૂંટણી સમયે અને મત ગણતરીને સમયે અનુસરવાના પ્રોટોકોલ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિનું સુચારુ પાલન થાય અને મતદારોમાં EVM વિશે જાગૃતિ કેળવાય એ માટે પ્રયાસો કરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.

ચૂંટણી પંચના જયદીપ દ્વિવેદી દ્વારા EVMના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ, પારદર્શિતા અને સંચાલનને લગતાં પાસાંઓ વિશે સવિસ્તર સમજ આપવામાં આવી હતી. આ સાથે તેમણે EVM મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા વહીવટી પાસાં અંગે તબક્કાવાર તાલીમ આપી હતી.

સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અને EVMના રાજ્ય સ્તરના નોડલ અધિકારી પંકજ પંચાલે EVMની FLC પ્રક્રિયા, સુપરવિઝન તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રથમ તબક્કાના ચેકિંગ ઇન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ના એન્જિયર્સ દ્વારા EVM અને VVPAT ઉપરાંત FLC યુનિટ અને સિમ્બોલ લોડિંગ યુનિટ (SLU)નું નિર્દશન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. એ સાથે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના નિષ્ણાતો દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.