મંદીમાં ધીરજ રાખશો તો જ બેડો પાર થશે: સભ્ય બિલ્ડરોને સુરત ‘ક્રેડાઈ’ની અપીલ

સુરત:  સુરતમાં વ્યાપક મંદીની બુમરાણ લાંબા સમયથી છે. હીરા અને કાપડ ઉદ્યોગની મંદીની અસર રીઅલ ઍસ્ટેટના વ્યાપાર ઉપર સીધી છે. આ વાત પહેલા નોટબંધી, પછી જીએસટી વખતે કહેવાતી મંદી હવે બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, તેવા અનેક બનાવ બની ચૂક્યા છે.

સુરતમાં થોડા જ દિવસ પહેલા મોટા ગજાના બિલ્ડર રવાણી ગ્રુપના ભાગીદાર હરેશ રવાણીએ આત્મહત્યા કરી લીધી હતી. સુરતના ખમતીધર બિલ્ડર પૈકીના એક એવા હરેશ રવાણીએ ભરેલા આત્યંતિક પગલાં પછી રીઅલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓમાં દહેશતનો માહોલ છે. છતાં કોઈ જાહેરમાં બોલતું નથી

રીઅલ એસ્ટેટને નોટબંધી, જીએસટીની જેમ જ ‘રેરા’ની પણ અસર થઇ છે. સુરતના બિલ્ડરો લામ્બા સમયથી રોકડની ભીંસ ભોગવી રહ્યા છે. આ વાત બધાને ખબર છે એવા સમયે બિલ્ડરોના સંગઠન એવા CREDAIએ એના વીસેક જેટલા આગેવાનો તાકીદની એક મિટિંગ કરીને એક અપીલ બહાર પાડી છે. આ અપીલ મુજબ, કોઈપણ હિસાબે મૂળ કિંમત કરતા નીચા ભાવે પ્રોપર્ટીનું વેચાણ ન કરવું તેમજ રોકાણકારો અને ફાયનાન્સરો તરફથી કડક ઉઘરાણી કરવામાં ન આવે. નાણાંભીડ અને મંદીના વાતાવરણમાં કેટલાક બિલ્ડરો દ્વારા મૂળ ભાવ કરતા પણ ઓછા ભાવે ફ્લેટ કે મકાનો વેચી ફાયનાન્સરોને વ્યાજ ચૂકવવાની નોબત આવી છે એવું જાણકાર બિલ્ડર કહે છે.

સુરત ‘ક્રેડાઈ’ના પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે, બેઠકમાં બિલ્ડરો અને રોકાણકારો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ જળવાઈ રહે તે માટે પ્રોજેક્ટમાં રોકાણકારો અથવા ફાયનાન્સરોએ પણ હાલની સ્થિતિને જોતા કડક ઉઘરાણી કરવામાં ન આવે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2000માં ગુજરાત રાજ્યમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ હતી. એવા સમયે બેંકો અને ખાનગી ફાયનાન્સરો તરફથી વ્યાજમાં રાહત આપી મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. તો એવો દાખલો હાલની પરિસ્થિતિમાં સુરતમાં પણ જરૂરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]