એટીએમ તમારા આંગણે…: SBI નો નવતર અભિગમ

અમદાવાદ: લોકડાઉનને અનુલક્ષીને અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને આ સમયગાળામાં નાણા ઉપાડવાની સરળતા માટે એસ.બી.આઇ દ્વારા એક અભિનવ પહેલના રૂપમાં મોબાઈલ એ.ટી.એમ.વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે.

હમણાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે એનો આરંભ કરાવ્યો હતો. એસ.બી.આઇના ડી.જી.એમ. સરોજકુમાર પટનાયક અને એમની ટીમે આ આયોજન કર્યું છે.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ મોબાઇલ એટીએમ દૂર દરાઝના વિસ્તારોમાં ફરશે જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે. યાદ રહે કે એસ.બી.આઇ. એ અમદાવાદ પછી વડોદરામાં વાહનમાં ચાલતા ફરતા એ.ટી.એમ ની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે.

પ્રત્યેક નાણાંકીય વ્યવહાર પછી આ એટીએમના કી બોર્ડને સેનેટાઈઝ કરવામાં આવશે. સંપૂર્ણ મોબાઈલ વાનને પણ તકેદારી રૂપે સમયાંતરે સેનેટાઇઝ કરાશે. આ એટીએમમાં અન્ય બેંકોના એટીએમ કાર્ડ પણ ચાલશે.  એસ.બી.આઇ.ની યોનો કેશ સાથે જોડાયેલા ખાતેદારો કાર્ડ વગર નાણાં ઉપાડી શકશે.


ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ કે જેમની નજીકમાં એટીએમ નથી એને અગ્રતા આપવામાં આવશે. જ્યાં આ વાન થોભશે ત્યાં માઇક દ્વારા જાહેર સૂચના પણ આપવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન હેઠળ સેવા અપાશે. હાલમાં એટીએમ વ્યવહાર માટે લાગતો ચાર્જ જતો કરવામાં આવ્યો છે એટલે અન્ય બેન્કોના ખાતેદારો પણ એસબીઆઈના એટીએમમાંથી ઉપાડ કરી શકશે.