યુદ્ધ ખતમ કરવા તૈયાર ટ્રમ્પે કહ્યું,  હોર્મુઝ ના ખૂલે તો પણ સૈન્ય કાર્યવાહી નહીં

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓને જણાવ્યું છે કે તેઓ હોર્મુઝ જલડમરુમધ્ય ફરીથી ખૂલ્યા વગર પણ યુદ્ધ ખતમ કરવા તૈયાર છે. વોશિંગ્ટનમાં પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રમ્પ ઈરાન સામે ચાલી રહેલા અમેરિકન સૈન્ય અભિયાનને બંધ કરવા તૈયાર છે, ભલે હોર્મુઝ જલડમરુમધ્ય બંધ જ રહે.આ નિર્ણયથી શક્ય છે કે આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર તહેરાનની મજબૂત પકડ યથાવત રહે અને તેને ફરીથી ખોલવાનું મુશ્કેલ કામ ભવિષ્ય માટે મુલતવી રાખવામાં આવે.

આ માહિતી વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટ્રમ્પ અને તેમના સહયોગીઓએ આકલન કર્યું હતું કે આ મહત્વપૂર્ણ જળમાર્ગને બળજબરીથી ખોલવાનો કોઈ પણ પ્રયાસ સંઘર્ષને તેમના નક્કી કરેલા સમયગાળા (ચારથી છ અઠવાડિયા) કરતાં ઘણો લાંબો ખેંચી શકે છે.

તેથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે અમેરિકા પોતાનાં મુખ્ય લક્ષ્યો હાંસલ કરવા પર ધ્યાન આપે — એટલે કે ઈરાનની નૌસેના અને તેના મિસાઈલ ભંડારને નબળા પાડવા તેમજ હાલના ટકરાવને સમાપ્ત કરીને વેપાર ફરીથી સામાન્ય બને તે માટે તહેરાન પર કૂટનીતિનું દબાણ વધારવું.

 સૈન્ય વિકલ્પ તરત નહીં અપનાવે ટ્રમ્પ

અધિકારીઓએ જણાવ્યું કે જો કૂટનીતિના પ્રયાસો નિષ્ફળ જાય, તો વોશિંગ્ટન યુરોપ અને ખાડી દેશોમાં પોતાના સાથી દેશો પર દબાણ કરશે કે તેઓ જલડમરુમધ્ય ખોલવા માટે પહેલ કરે. ટ્રમ્પ પાસે કેટલાક સૈન્ય વિકલ્પો છે, પરંતુ હાલ તે તેમની પ્રાથમિકતા નથી.

ગયા એક મહિનામાં ટ્રમ્પે જાહેરમાં આ જળમાર્ગ અંગે અલગ-અલગ નિવેદનો આપ્યાં છે. ક્યારેક તેમણે ચેતવણી આપી હતી કે નિશ્ચિત સમયમર્યાદા સુધી જળમાર્ગ ન ખૂલ્યો તો નાગરિક ઊર્જા માળખા પર બોમ્બમારો થઈ શકે. જ્યારે અન્ય પ્રસંગોએ તેમણે કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ લાવવાની જવાબદારી અન્ય દેશોની છે.

હોર્મુઝ બંધ રહેવાના નુકસાન

જેટલો લાંબો સમય આ જલડમરુમધ્ય બંધ રહેશે, એટલી વૈશ્વિક અર્થતંત્રોમાં ઊથલપાથલ વધશે અને ગેસની કિંમતોમાં તેજી આવશે. અમેરિકાના સહયોગી દેશો સહિત ઘણા દેશો ઊર્જા પુરવઠામાં આવેલા ભારે ઘટાડાનો સામનો કરી રહ્યા છે.