કોર્ટે કેજરીવાલ, સંજય સિંહની સમન્સ રદ કરવાની રિવિઝન અરજી ફગાવી

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં સેશન્સ કોર્ટે દિલ્હીના CM કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને આંચકો આપ્યો છે. સેશન્સ કોર્ટે બંનેની મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવીઝન અરજી ફગાવી દીધી છે. હવે બંને આરોપી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ બચ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી માગવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અરજી પર કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યા હતા. કેજરીવાલ અને સંજય સિંહે આ સમન્સના આદેશને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેથી આજની સુનાવણીમાં કોર્ટે બંનેની અરજી ફગાવી દીધી હતી.

આ કેસ 23 સપ્ટેમ્બરની મેટ્રો કોર્ટની મુદતમાં વધુ કાર્યવાહી માટે ચાલશે. જેમાં સાક્ષીઓને તપાસવાની કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રો કોર્ટમાં કેજરીવાલ અને સંજય સિંહના વકીલે અંડરટેકિંગ આપતાં બંને જણને કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી રાહત મળી છે.

બંનેની રિવીઝન અરજી પર સેશન્સ કોર્ટે અગાઉ તેમના વકીલને અઢી કલાક સુધી સાંભળ્યા હતા. જ્યારે ફરિયાદી પક્ષના વકીલે અડધો કલાક જેટલી દલીલો કરી હતી. હવે મેટ્રો કોર્ટમાં વધુ કાર્યવાહી ચાલશે અને બંને આરોપીઓ સામે હાઈકોર્ટનો વિકલ્પ ખુલ્લો છે.

આરોપીઓના વકીલે સુનાવણીમાં કહ્યું હતું કે યુનિવર્સિટીએ મેટ્રો કોર્ટ સમક્ષ યોગ્ય પુરાવા રજૂ કર્યા નથી. જે વિડિયો ટ્રાયલ કોર્ટ સમક્ષ મુકાયા છે તેને ચકાસવામાં આવ્યા નથી. બંને આરોપીઓના ટ્વિટર હેન્ડલ વેરિફાય કરવામાં આવ્યા નથી. વળી જે લોકો સાક્ષી બન્યા છે. તે યુનિવર્સિટીના જ કર્મચારીઓ છે. આ મુદ્દે યુનિવર્સિટીના વકીલે દલીલ કરી હતી કે સંપૂર્ણ વિડિયો મેટ્રો કોર્ટે જોયા છે. ચાર સાક્ષી ચકાસ્યા છે. ત્યાર બાદ આરોપીઓ સામે સમન્સ નીકળ્યા છે. વળી, રિવિઝન અરજીમાં પૂરાવા ઉપર પ્રશ્ન ન ઉઠાવી શકાય. તે મુદ્દે ટ્રાયલ કોર્ટ નિર્ણય કરશે.