ગાંધીનગરઃ રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપાઈ છે. રાજ્યમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ ફેક્ટરીમાં મોટી માત્રામાં રેમડેસિવિરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય કોરોનામુક્ત બને એ માટે સરકાર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, ત્યારે કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા કોરોના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર શરૂ કરવામાં આવ્યાં છે. આ તત્વો દ્વારા અન્ય પ્રકારનાં ઇન્જેકશનના રેપર કાઢી તેના પર રેમડેસિવિર ઇન્જેકશનના સ્ટિકર લગાવી નકલી ઇન્જેક્શનો બનાવવાનો ધંધો ચાલતો હતો.
આ લોકો માનવ વધ જેવો પ્રયાસ કરી રહ્યા હતા. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, મોરબી, રાજકોટ, ભરૂચ અને સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી નકલી રેમડેસિવિરનો ગોરખધંધો કરનાર લોકોને ઝડપી પાડી મોટી માત્રામાં મુદ્દા માલ જપ્ત કર્યો છે. સુરતના ઓલપાડમાં તો રેમડેસિવિર ઈન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યારે મોરબીમાં એક કલાક પહેલા કેસ નોંધવામાં આવ્યો છે. અમદાવાદના જુહાપુરામાં 1117 ઇન્જેક્શન મળી આવ્યા હતા. આમ પોલીસે 55,000 જેટલાં ઇન્જેક્શન ઝડપી પાડ્યાં છે. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે. ત્યારે મોરબી પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
રાજ્ય સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી. અને પોલીસ પ્રશાસન એ 23 જેટલા ગુનામાં 57 લોકોની ધરપકડ કરી. જેમાં અમદાવાદમાં નકલી રેમડેસિવિર વેચવામાં ઇન્જેકશનની શીશી પર સ્ટિકર લગાડી વેચવામાં આવતું હતું, જેમાં આઠ લોકોની ધરપકડ કરી છે.