રાજકોટ: હવે તો માસ પ્રમોશન પણ નક્કી થઈ ગયું. ધો.૧ થી ૯ અને ૧૧માં ધોરણના વિદ્યાર્થીઓએ આ વર્ષે પરીક્ષા આપવાની નથી.પણ એ જાહેર નહોતું થયું ત્યારે અને હજી પણ રાજકોટની એક જીનીયસ સ્કૂલના ૧૨૦૦ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો – શિક્ષિકાઓ પાસે પોતાના જ ઘરે બધા વિષય ભણે છે . ના, ટીચર ઘરે નથી આવતા. સ્કૂલ જ ઘરે આવે છે.
જીનીયસ સ્કૂલના પ્રિન્સિપાલ ડિમ્પલ મહેતા ચિત્રલેખા.કોમ ને કહે છે, શાળા બંધ કરવાનો આદેશ આવ્યો ત્યારથી અમે ઓનલાઇન શિક્ષણ શરૂ કર્યું . ઝૂમ નામની એક મોબાઈલ એપ્લિકેશન દરેક માતા- પિતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાનું કહી દીધું. એ લોકો હવે દરરોજ નિયત સમયે એ એપ ખોલે, શરૂ કરે એટલે ક્લાસ ચાલુ. ટીચર પણ ઓનલાઇન જોડાઈ જાય. અમે ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. ક્યા દિવસે ક્યો વિષય ભણાવવામાં આવશે એ નક્કી છે.
અહી ઓનલાઇન એટલે ફકત મટીરીયલ પહોંચે એમ નહીં, પણ ટીચર અને વિદ્યાર્થી એક બીજાને સામસામે જોઈ શકે – વિડિયો કોલની જેમ જ. પેરેન્ટ પણ એમને જોઈ શકે. બસ આ રીતે ટીચિંગ ચાલુ છે. હવે આગળના ધોરણોનું કામ શરૂ કરાયું છે. કોરીનાને લીધે બહાર તો નીકળવાનું જ નથી. લોકડાઉનનો તો અમલ કરવાનો જ છે પણ સમયનો ય ઉપયોગ થઈ શકે એટલે આ શરૂ કર્યું.
(જ્વલંત છાયા-રાજકોટ)