અમદાવાદ: કોરોનાની મહામારી ને રોકવા આખાય ભારત દેશના નાગરિકો ને ઘરની બહારની નિકળવાની મનાઇ ફરમાવી દેવાઇ છે. આ કોરોના વાયરસ રુપી આફતને રોકવા સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને ગામ, શેરી, મહોલ્લા, સોસાયટીઓ સ્વચ્છતા જળવાય એ પણ એટલું જ જરૂરી છે. આવા આફતના સમયે સૌનું આરોગ્ય સારું રહે અને સ્વચ્છતા જળવાય એ માટે સરકારી તંત્રના તમામ વિભાગના કર્મચારીઓ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ છે.
અમદાવાદ જેવા મહાનગરમાં પાલિકાના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, મધ્ય એવા ઝોન પડેલા છે. આ તમામ ઝોનમાં માર્ગો પર સફાઇ કરવી, કચરો ઉપાડવાની કામગીરી, ઘરે ઘરે થી કચરો લેવડાવવો, મેલેરિયા ની દવાનો છંટકાવ, શહેરના માર્ગો પર દવાનો છંટકાવ જેવી લોકોના આરોગ્ય સાથે જોડાયેલી અનેક કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ચેપી રોગો ના ડર અને દહેશત વચ્ચે આખાય શહેરના જુદા જુદા વિસ્તારોમાં સફાઇ કામગીરી નિયમિત થઇ રહી છે. આ સાથે ડોર ટુ ડોર કચરો લઇ જતી ગાડીઓ પણ કાર્યરત છે. મેડિકલ નો કચરો હોય કે સોસાયટીનો… જો એક દિવસ રજા પડે તો શું સ્થિતિ થાય એ સમજી શકાય છે. આવા વખતે માર્ગોની સફાઈ કરતા કામદારો ને જોઇને લાગશે કે શહેરને સ્વચ્છ રાખતા સૈનિકો તો આ જ છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)