ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં હિજાબ દૂર કરાવવામાં આવતાં વિવાદ

ભરૂચ: રાજ્યમાં ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે, જ્યારે અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવા બાબતે વિવાદ થયો છે. વાલીઓએ આ મામલે વિરોધ નોંધાવી ગેરવર્તણૂક બાબતે યોગ્ય પગલાં લેવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં.આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી સુધી મામલો પહોંચતાં વાલીઓની રજૂઆત યોગ્ય ગણી સ્થળસંચાલક પરીક્ષાની કામગીરીમાંથી દૂર કરવામાં આવ્યા છે. શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું. વાલીઓએ કહ્યું હતું કે આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી.

આ મામલે ભારે ઊહાપોહ મચ્યો હતો. વાલી નાવેદ મલેકે જણાવ્યું હતું કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાની શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ કરાવવાની માગ કરવામાં આવશે. શાળાના સંચાલક દીપક રૂપારેલ જણાવ્યું હતું કે શાળાનો આ નિર્ણય નથી. બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરવામાં આવ્યું છે. જેથી શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી.

શું છે મામલો?

અંકલેશ્વરમાં એક શાળાના ધોરણ 10 બોર્ડ પરીક્ષા નિરીક્ષકને ગુરુવારે શાળામાંથી પરીક્ષા કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, કારણ કે તેણે બુધવારે ગણિતની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ દૂર કરવાની નિરીક્ષકોને સૂચના આપી હતી.

આ બનાવ પછી મુસ્લિમ સમાજના સભ્યો તેમ જ કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ એના વિરોધમાં શાળામાં એકઠા થયા હતા અને ભરૂચ DEOને આવેદનપત્ર પણ આપ્યું હતું. એક વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે એક ધર્મની મહિલા બાળકોને અલગ રાખવામાં આવી હતી અને તેમને ગુનેગારો જેવી લાગણી કરાવવામાં આવી હતી.  શાળા આવા ભેદભાવપૂર્ણ વર્તન માટે શિસ્તબદ્ધ પગલાંને પાત્ર છે.