કોંગ્રેસ કેમ્પેઈન કમિટીનો ધમધમાટ, ગુજરાત આવશે પ્રિયંકા સહિત 40 દિગ્ગજ નેતા

અમદાવાદ- લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. જેમાં કોગ્રેસ દ્વારા આઠ જેટલી વિવિધ કમિટિઓની યાદી જાહેર થઈ છે. કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીને લઈને કોર્ડિનેશન કમિટી, પ્રદેશ ઈલેક્શન કમિટી, કેમ્પેઈન કમિટી, પબ્લિકસીટી કમિટી, મીડિયા કોર્ડિનેશન કમિટી, મેનીફેસ્ટો કમિટી અને ઈલેકશન મેનેજમેન્ટ કમિટીની રચના કરી છે.

જે હેઠળ ગુજરાત કોંગ્રેસ કેમ્પઇન કમિટીની પ્રથમ બેઠક આજે મળી હતી જેમાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ૪૦થી વધારે રાષ્ટ્રીય નેતાઓને સભા માટે ગુજરાતમાં બોલાવાશે એ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં  પ્રિયંકા ગાંધીને મહિલા સંમેલનમાં હાજર રહેવા આમંત્રણ ઉપરાંત રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા, સચીન પાઇલોટ, નવજોતસિંહ સિંધુ, કમલનાથ, અશોક ગેહલોત સહિતના નેતાઓ ગુજરાતમાં સભાઓ સંબોધે તેવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ લોકસભા બેઠકમાં બે રાષ્ટ્રીય નેતાઓની સભા થાય એવું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસની કેમ્પેઇન કમિટીની બેઠક બાદ ચેરમેન સિદ્ધાર્થ પટેલે નિવેદન આપતા કહ્યું કે, લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાં 500 સભાઓ કરશે, એક વિધાનસભા દીઠ ત્રણ જાહેરસભા યોજવાનું પણ આયોજન કરાયું છે. આ ઉપરાંત  મહિલાઓ અને યુવાનો માટે લોકસભાની ચૂંટણી અંગે કોંગ્રેસ વિશેષ કાર્યક્રમ યોજશે.

સિદ્ધાર્થ પટેલે વધુમાં કહ્યું કે કેમ્પેઈનમાં પ્રચાર દરમિયાન ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે. અને કોંગ્રેસ આગામી દિવસોમાં દેશને ક્યાં લઈ જવા માંગે છે તે અંગે લોકોને સમજાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]