રૂપાણી ગુજરાત સાયન્સ સિટી રોબોટિક ગેલેરીની મુલાકાતે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આજે ગુજરાત સાયન્સ સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી તથા ટૂંક સમયમાં શરૂ થનાર રોબેટિક ગેલેરી તથા ભારતના સૌથી મોટા એક્વેરિયમમાં કામકાજની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. રૂપાણીએ નેચર પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું. એમની સાથે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ હરિત શુક્લા અને ગુજરાત સાયન્સ સિટીના નિયામક તથા અન્ય મહાનુભાવો હતા.

ગુજરાત સાયન્સ સિટીમાં વિકાસ પામી રહેલી ભારતની એકમાત્ર એક્વાટિક ગેલેરીની મુલાકાત દરમ્યાન રૂપાણીએ અલગ-અલગ વિભાગોના પ્રગતિશીલ કામોનું નિરીક્ષણ કર્યું હતું. ભારતની આ સર્વપ્રથમ ગેલેરી છે જે ૧૧,૦૦૦ ચો.મી.થી વધુ બાંધકામમાં, 72 ટેન્કમાં 182 પ્રજાતિઓ, અને ૧૧,૨૫૦ માછલીઓ અને અંડરવોટર વોક-વે ટનલ, ઓસીનેરિયમ, દૃશ્ય ગેલેરીઓ, એડવાન્સ્ડ લાઇફ-સપોર્ટ સિસ્ટમ્સ, ટચ-પુલ, થીમ ઇન્ટિરીર્યસ સાથે વિકાસ પામી રહી છે.

રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની નવનિર્મિત રૉબોટિક ગેલેરીની પણ મુલાકાત લીધી હતી અને ગેલેરીમાં સેવા આપતા રોબોટ્સ તથા કોવીડ-19 અંગેનું રિસોર્સ મટિરિયલનું અનાવરણ પણ કર્યું હતું.