CMએ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું: વરસાદનું રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને અનેક વિસ્તારો જળબંબોળ છે ત્યારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે છોટા ઉદેપુરના બોડેલીમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેમણે પૂરગ્રસ્ત લોકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી. તેમણે વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે બોડેલી, નર્મદા અને નવસારીના અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમ હવામાન વિભાગે કહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, ભાવનગર જેવા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી છે તો વડોદરા, છોટા ઉદેપુર અને આણંદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં બેથી ત્રણ દિવસ વરસાદ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ બાદ વરસાદથી રાહત મળે એવી શક્યતા છે.

રાજ્યમાં આગામી 24 કલાક અતિ ભારે છે. રાજ્યના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં દેડિયાપાડામાં સૌથી વધુ 21 ઈંચ, ઉમરપાડામાં 16 ઈંચ, તિલકવાડામાં 20 ઈંચ સાગબારામાં 16 ઈંચ, કપરાડામાં 15 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં હજી સુધી વરસાદથી 63 લોકોનાં અને 272 પશુનાં વરસાદથી મોત થયાં છે રાજ્ય સરકારના જણાવ્યા મુજબ વરસાદથી 18 મકાનને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં વીજળી પડવાથી કુલ 33 લોકો અને દીવાલ પડવાથી આઠ લોકોનાં મોત થયાં છે.