ચારુસેટ યુનિવર્સિટીને NAAC દ્વારા ‘A+’ ગ્રેડ અપાયો

ચાંગા: ચાંગાસ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી)ને નેશનલ એક્રેડિટેશન એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલ (NAAC) દ્વારા A+ ગ્રેડ આપવામાં આવ્યો છે. ચારુસેટ સન 2016માં પ્રથમ પ્રયત્ને ‘A’ ગ્રેડ મેળવનાર ગુજરાતની પ્રથમ ખાનગી યુનિવર્સિટી છે.

NAACની કુલ સાત સભ્યોની ટીમે 7થી 9 જુલાઈ, ૨૦૨૨એ ચારુસેટ યુનિવર્સિટીની બીજી વાર મુલાકાત લીધી હતી. આ ટીમે ત્રણ દિવસમાં વિવિધ કોલેજો અને સેન્ટરોની મુલાકાત લીધી હતી અને ચારુસેટ યુનિવર્સિટીના વિવિધ પાસાં જેવાં કે શિક્ષણ, સંશોધન, અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ લેબોરેટરીઓ, ગ્રીન કેમ્પસ અને શિક્ષણ તેમ જ સંશોધનને સુસંગત બાબતો, વહીવટી કાર્યપ્રણાલી, ઈ- ગવર્નન્સ, સેન્ટ્રલ લાઈબ્રેરી, સેન્ટ્રલ એસેસમેન્ટ સિસ્ટમ, વિવિધ પ્રોજેકટો, રિસર્ચ પબ્લિકેશન વગેરેની ચીવટપૂર્વક ચકાસણી અને મૂલ્યાંકન કર્યું હતું.

NAAC ટીમના સભ્યોએ ચારુસેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓના સર્વાંગી વિકાસલક્ષી તાલીમ અને સુવિધાઓની પ્રશંસા કરી હતી. ત્યાર બાદ  ચારુસેટ યુનિવર્સિટીને NAAC દ્વારા A+ ગ્રેડ (3.26 CGPA) એનાયત કરવામાં આવ્યો છે.

ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલે ચારૂસેટ પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે ચારુસેટને મળેલી આ અપ્રતિમ અને ભવ્ય સફળતા ચારુસેટના તમામ સભ્યોની અથાગ મહેનત અને નિષ્ઠાને આભારી છે.  ચારુસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ચારુસેટ યુનિવર્સિટી તેના સ્થાપનાકાળથી જ ફક્ત 13 વર્ષના ટૂંકા ગાળામાં A+ ગ્રેડ મેળવ્યો છે.ચારુસેટ ગુજરાત સરકાર દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE)નો દરજ્જો પ્રાપ્ત કરનાર એકમાત્ર યુનિવર્સિટી છે, જે ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પબ્લિક ફંડેડ યુનિવર્સિટી છે.

ચારુસેટ યુનિવર્સિટીમાં છ વિદ્યાશાખાઓ અંતર્ગત 9 શૈક્ષણિક સંસ્થાઓના 72 અભ્યાસક્રમોમાં 8500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં રૂ. 150 કરોડનું રોકાણ ધરાવતી ચારુસેટ યુનિવર્સિટી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળની 20 યુનિવર્સિટીમાં સ્થાન પામવાનું ધ્યેય તેમ જ લાંબા ગાળે વૈશ્વિક યુનિવર્સિટી બનવાની નેમ ધરાવે છે.