શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણઃ રાજકોટમાં પણ છમકલું

વડોદરાઃ શહેરમાં ગઈ રાત્રે બે જૂથોની વચ્ચે અથડામણ થઈ હતી અને સામસામો પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને ગાડીઓમાં પણ આગ લગાવી હતી. હિંસાની સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો પોલીસ ટીમ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ ઘટના શહેરના પાણીગેટ વિસ્તારની છે.

શહેરના પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે જોરદાર પથ્થરમારો થયો હતો. મોડી રાતે તોફાનીઓએ દિવાળીની રાત્રે આખો વિસ્તાર માથે લીધો હતો. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે બબાલ થતાં તોફાનીઓએ આ વિસ્તારને બાનમાં લઈ લીધો હતો.તોફાનીઓએ આતંક મચાવ્યો હતો અને પથ્થરમારો, આગચંપી અને પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા આ ઘટનામાં પોલીસે 19 લોકોની અટકાયત કરી છે.

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં અચાનક સ્ટ્રીટ લાઇટ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ પથ્થરમારો શરૂ થયો હતો. બે જૂથ વચ્ચે થયેલા પથ્થરમારામાં રોડ સાઇડમાં પાર્ક કરેલાં વાહનોને આગચંપી કરવામાં આવી હતી. જેથી પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તોફાનને કાબૂમાં લેવી પહોંચી ત્યારે DCP ઝોન-3 યશપાલ જગાણિયા પર પોળના એક મકાનમાંથી પેટ્રોલ બોમ્બ ફેંકાયો હતો. જોકે તેમાં તેમનો સહેજમાં બચાવ થયો હતો. પથ્થરમારાની આ ઘટના પાણીગેટ મુસ્લિમ મેડિકલથી સ્વામિનારાયણ મંદિર સુધી બની હતી. પોલીસે આ વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો છે.

રાજકોટમાં પણ છમકલું

રાજકોટના મોરબી રોડ પર ફટાકડા ફોડવા બાબતે મારામારીની ઘટના બની હતી. બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં છરી વડે કરવામાં આવેલા હુમલામાં ચાર લોકોને ઇજા થઈ હતી, જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર છે. પોલીસે અહીં બે શખસોની ધરપકડ કરી છે. પોલીસ અહીં પણ ચાંપતી નજર રાખી રહી છે.