દલિતોના નામે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છેઃ રુપાણી

અમદાવાદઃ દલિત સમુદાયનાં લોકો પર થતા અત્યાચારો રોકવા માટે ઘડાયેલા શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ ટ્રાઈબ્સ (પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ, 1989 (SC-ST) એક્ટમાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને કારણે કોર્ટ તથા કેન્દ્ર સરકાર બંને સામે દલિત સમાજ ભડક્યો છે. અનેક દલિત સંગઠનોએ કોર્ટના ચુકાદાના વિરોધમાં આજે ‘ભારત બંધ’નું એલાન કર્યું છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું ત્યારે આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રતિક્રીયા આપી છે.

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે કેન્દ્ર અને ભાજપની રાજ્ય સરકાર દલીતો સાથેની સરકાર છે. રીવ્યુ માટે પીટીશન કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે દલીતોના નામે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. આંબેડકરજી હતા ત્યારે કોંગ્રેસે તેમને કેટલા પરેશાન કર્યા છે તે દુનિયા જાણે છે. કોંગ્રેસ આંબેડકરના નામે રાજનીતિ કરી મગરના આંસુ સારી રહી છે. વડાપ્રધાન મોદી અને કેન્દ્રની ભાજપ સરકારે દલીતના હિતમાં અનેક પગલાઓ લીધા છે. મુખ્યપ્રધાને દલીત સમાજના લોકોને જણાવ્યું હતું કે સમગ્ર મામલે અમે સુપ્રિમ કોર્ટમાં રિવ્યુ પીટીશન દાખલ કરી છે, જેથી કોઈએ ગેરમાર્ગે ન દોરાવું.