રાજ્યમાં બે દિવસ વંટોળ સાથે વરસાદ વરસવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં બપોર પછી ફરી એક વાર કમોસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ અમરેલી, કચ્છ, ભૂજ અને જૂનાગઢ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં એક કલાકમાં સવા ઇંચ વરસાદ વરસતાં લોકોના હાલ-બેહાલ થયા છે. સત્તાવાર આંકડા મુજબ એક કલાકમાં મધ્ય ક્ષેત્રમાં 21 મિમી, પૂર્વ ક્ષેત્રમાં 31 મિમી, અને પશ્ચિમ ક્ષેત્રમાં 32 મિમી વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોની ચિંતામાં વદારો થયો છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં વંટોળ વાવવાની શક્યતા છે. આ દરમ્યાન સૌરાષ્ટ્ર અને કચ્છ અને દીવના બધા જિલ્લાઓમાં હળવો અથવા ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

રાજકોટની મંડીમાં ઘઉં અને ધાણાના પાકની આવક થઈ રહી છે. બપોરે અચાનક પડેલા વરસાદથી ભારે માત્રામાં પાક પલળી ગયો હતો. હવામાન વિભાગે ખેડૂતોને ઘઉં, ધાણા અને ચણાને ના લાવવાની અપીલ કરી હતી. ખુલ્લા મેદાનમાં ટોકન આધારિત લોકોની આવક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જસદણમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જસદણના અટકોટ, વીરનગર, પંચવાડા અને અન્ય ગામોમાં હળવો વરસાદ વરસ્યો હતો.