અમદાવાદઃ રાજ્યમાં આગામી છ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી છે. સૌરાષ્ટ્રના આઠ અને દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાઇકલોનિકલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે.
રાજ્યમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
રાજ્યના નવસારી, વલસાડ અને દમણ દાદરા નગરહવેલીમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે એ સાથે મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે, જેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી જ છે. તેમના જણાવ્યાનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતાં દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 30 જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.
વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.