રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે પર બિલિયાળાના પાટિયા પાસે આજે વહેલી સવારે છ કલાકે મોટો અકસ્માત સર્જાયો હતો. કપાસ ભરેલી ટ્રક અને કાર વચ્ચે ગોઝારા અકસ્માત પછી બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. કારની આગમાં ત્રણ મહિલાઓ જીવતી ભૂંજાઈ ગઈ હતી. જ્યારે કારચાલક દાઝી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં ગોંડલ પાલિકાનાં એમ્બ્યુલન્સ, હાઇવે ઓથોરિટી અને ગોંડલ તાલુકા પોલીસ અને બે ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી વાહનો પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ ટ્રકમાં કપાસની ગાંસડી હોવાથી ભીષણ આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતાંમાં આગે કારને પણ ઝપટમાં લીધી હતી. નેશનલ હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માત બાદ ત્રણેય મહિલાઓના મૃતદેહોને ગોંડલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં અને અકસ્માતની જાણ થતાં જ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમ જ અન્ય સામાજિક અને રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચી ગયા હતા
આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં. ગોંડલ તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. કાર ગોંડલથી રાજકોટ તરફ જતી હતી, આ સમયે જ ટ્રક બિલિયાળા ગામ તરફથી હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ મહિલાનાં મોત નીપજ્યાં છે. કારમાં સવાર ગોંડલનો પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.
.