અમદાવાદઃ મોદી સરનેમ કેસમાં ગુજરાત હાઇકોર્ટ તરફથી કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. રાહુલ ગાંધીએ સુરત સેશન કોર્ટના ચુકાદાની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ સજા અટકાવવાની માગને લઈને દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદા પછી રાહુલ ગાંધી માટે 2024ની લોકસભાની ચૂંટણી લડવી મુશ્કેલ બની ગઈ છે.
મોદી સરનેમ કેસમાં સુરત સેશન કોર્ટે 23 માર્ચ, 2023એ રાહુલ ગાંધીને દોષી ઠેરવતાં બે વર્ષની સજા સંભળાવી હતી. હાઇકોર્ટે ચુકાદો સંભળાવતી વખતે રાહુલ ગાંધીની સામે લંબિત 10 ક્રિમિનલ કેસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યોગ્ય છે અને એ આદેશમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી, એટલે અરજી નકારી કાઢવામાં આવે છે. હાલ રાહુલ ગાંધી ના તો ચૂંટણી લડી શકશે અને ના તો તેમનું સંસદપદ બહાલ કરવાની માગ કરી શકે છે. જોકે તેમની પાસે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે.
શું છે મામલો?
વર્ષ 2019માં કર્ણાટકની કોલરમાં ચૂંટણી સભાને સંબોધતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે. તેમણે કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની સરનેમ કોમન કેમ છે? બધા ચોરોની સરનેમ મોદી કેમ હોય છે? ત્યાર બાદ ગુજરાત ભાજપના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત સેશન કોર્ટમાં એના વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ મામલે સુરત કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિ મામલે દોષી ઠેરવતાં વર્ષની સજા સંભળાવી હતી. ત્યાર બાદ લોકસભા સચિવાલય દ્વારા રાહુલની સંસદનું સભ્યપદ રદ કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને શૈલેશ પરમાર કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જ્યારે ચુકાદા પહેલાં કોર્ટ પહોંચેલા રાહુલ ગાંધીની લીગલ ટીમના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચુકાદો ખૂબ મહત્ત્વનો છે. રાહુલ ગાંધીની સજા પરનો સ્ટેની માગ કરી છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત્ રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું, રાહુલ ગાંધીએ મોદી વિશે વાત કરી હતી, કોઈ સમાજ વિશે નહીં.