કશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા અનિશ્ચિત સમય સુધી સ્થગિત

શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીરમાં ભારે વરસાદ છે અને તેમાંય કશ્મીર પ્રદેશના અનેક ભાગોમાં હવામાન ખરાબ થતાં અમરનાથ યાત્રાને કામચલાઉ રીતે સ્થગિત કરી દેવામાં આવી છે.

યાત્રાને બાલતાલ અને પહલગામ, બંને રૂટ પર સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. એક પણ યાત્રીને આજે સવારથી બાબા અમરનાથના બરફના શિવલિંગવાળી પવિત્ર ગુફા તરફ જવા દેવામાં આવ્યા નથી. પહલગામ પટ્ટાવિસ્તારમાં હવામાન વધારે ખરાબ થયું છે. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે.

પહલગામ બેઝ કેમ્પ તરફ આગળ વધતા 4,600 યાત્રાળુઓના જથ્થાને ચંદરકોટમાં રોકી દેવામાં આવ્યો છે. હવામાન સારું થશે એ પછી તરત જ યાત્રાને ફરી શરૂ કરવામાં આવશે.

દક્ષિણ કશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં આવેલી પવિત્ર ગુફાના ગુરુવારે 17,202 લોકોએ દર્શન કર્યા હતા. આ સાથે આ વર્ષે પવિત્ર ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરનારાઓનો આંકડો વધીને 84,768 થયો છે. દરિયાઈ સપાટીથી 3,888 મીટર ઊંચે આવેલી પવિત્ર ગુફા માટેની વાર્ષિક અમરનાથ યાત્રા આ વખતે 1 જુલાઈથી શરૂ થઈ છે અને તેનું સમાપન 31 ઓગસ્ટે થશે. પવિત્ર ગુફા સુધી જવા માટે બે માર્ગ છે. અનંતનાગ જિલ્લામાં પહલગામથી અને ગંદેરબાલ જિલ્લામાં બાલતાલથી.