અમદાવાદઃ દશેરા વિજયનું પર્વ. ભગવાન રામે રાવણનો વધ કર્યો અને એ પછી વિજ્યાદશમીની ઉજવણીની શરૂઆત થઈ. ગુજરાતીઓની બીજી ઓળખ એટલે ફાફડા-જલેબી છે તેમ કહીએ તો જરાય વધુપડતું ના કહેવાય. નવરાત્રિના છેલ્લા નોરતા સુધી મન મૂકીને ગરબા ખેલૈયાઓ ગાતા હોય છે અને ભલે રાત્રે મોડે સુધી ગરબા ગાયા હોય, પરંતુ બીજા દિવસે વહેલા ઊઠીને ફાફડા-જલેબી ખાવાનો અનેરો જ ઉત્સાહ રહેતો હોય છે. નવરાત્રિ મહોત્સવ પછી દશેરાના દિવસે રાવણ-દહન થાય એ પૂર્વે ફાફડા-જલેબી આરોગવા વહેલી સવારથી જ લોકો કતારોમાં ઊભેલા જોવા મળી રહ્યા છે. વળી, દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનું મહત્ત્વ વિશેષ રહે છે.
અમદાવાદની જ વાત કરીએ તો પૂર્વ, પશ્ચિમ અને કોટ વિસ્તારના વિસ્તારોની જાણીતી ફરસાણ, મીઠાઈની દુકાનો ઉપરાંત સીઝનેબલ ધંધો કરનારા લોકો માટે ફાફડા-જલેબી તૈયાર કરતા મંડપો પાસે લોકોની ભીડ જામી છે.
દશેરાના દિવસે ફાફડા-જલેબીની લિજ્જત માણવાની વર્ષો જૂની પ્રથા છે. એમાંય અમદાવાદમાં દશેરાના દિવસે ફાફડા-જલેબી ની સાથે ચોળાફળીનું પણ ધૂમ વેચાણ થાય છે. જ્યાં પપૈયાની છીણ, મરચાં, ચટણી અને કઢી-ફાફડા સાથે મળે એ દુકાન કે મંડપ પાસે ભીડ અવશ્ય વધુ જોવા મળે. વધતી મોંઘવારી અને ભાવવધારો છતાંય સ્વાદરસિયાઓની ફરસાણની દુકાનો પર કતારો વધતી જ જાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)