આણંદમાં ભાજપ નેતાની પત્નીનો કેનાલમાંથી મળ્યો મૃતદેહ, મોડલના મોતનું રહસ્ય અકબંધ

ગુજરાતના આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારી  ઘટના સામે આવી છે. લાંભવેલ નજીકથી પસાર થતી કેનાલમાં રિદ્ધિ સુથાર નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. રિદ્ધિ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી અને તેણે બોરીયાવી નગરપાલિકાના ચેરમેન તથા ભાજપ નેતા રૂષિન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને દોઢ વર્ષનું એક બાળક પણ છે. આ ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મૃત્યુ આત્મહત્યા છે કે હત્યા તેની શંકાઓ પર પણ તપાસનું જોર છે.

શું બન્યું હતું?
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે (21 માર્ચ) વહેલી સવારે આણંદના લાંભવેલ વિસ્તાર નજીકની કેનાલમાંથી રિદ્ધિ સુથારનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. રિદ્ધિના આ અચાનક મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પોલીસની તપાસનો ધમધમાટ
રૂષિન પટેલ, જેઓ હાલમાં જ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેન બન્યા હતા, તેમણે રિદ્ધિ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીનું દોઢ વર્ષનું બાળક પણ છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ આદરી છે. આ મામલો આત્મહત્યા છે કે હત્યાનું ષડયંત્ર, તેની સ્પષ્ટતા પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ થશે. રિદ્ધિના મૃત્યુએ ઘણા સવાલો ઉભા કર્યા છે, અને ખાસ કરીને તેના પતિની રાજકીય પૃષ્ઠભૂમિને કારણે આ ઘટના વિવાદમાં આવી શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.