અમદાવાદઃ દાયકાઓથી કોંગ્રેસની જામેલી વોટબેન્કમાં ભાજપે ચૂંટણી પહેલાં ખાંચરો પાડ્યો છે. ભરૂચ જિલ્લાના આશરે 12 મુસ્લિમ બાહુલ્ય ગામોમાંથી આશરે 300 મુસ્લિમોએ ભાજપ પ્રવેશ કર્યો હતો. આ લોકોએ માત્ર ભગવો ધારણ કર્યો હતો, એટલું જ નહીં, પણ તેમના ગામોના પ્રવેશદ્વાર પર ભાજપે ધ્વજ ફરકાવ્યો હતો. આમાં ધુર કોંગ્રેસી અને બંબુસર ગામના સરપંચ ગુલામ પટેલ પણ સામેલ છે. કોંગ્રેસ છોડીને પાર્ટીમાં સામેલ થયેલા બધા કાર્યકર્તાઓનું ભાજપના વિધાનસભ્ય અરુણ સિંહ રાણાએ સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ લોકોએ કોંગ્રેસ છોડીને ભાજપની નીતિ અને નિયતમાં વિશ્વાસ દર્શાવ્યો હતો.
ભરૂચ જિલ્લાની મુખ્ય ઓફિસથી 19 કિમી દૂર મુસ્લિમ બાહુલ્ય ધરાવતા ગામ બંબુસરમાં આયોજિત કાર્યક્રમમાં ભાજપના મહા સચિવ દિગ્વિજય ચુડાસમા સિવાય ભાજપના અલ્પસંખ્યક મોરચામાંથી સલીમ ખાન પઠાણ અને મુસ્તફા ખોડા વગેરે સામેલ થયા હતા.
અત્યાર સુધી આ બધા ગામોમાંથી ચૂંટણીમાં કોંગ્રેસ માટે એકતરફી મતદાન થયું હતું, પણ સૌપ્રથમ વાર ભાજપને અહીં મત મળવાની આશા છે. વિધાનસભ્ય અરુણ સિંહ રાણાએ સ્વીકાર કર્યો હતો. કે હવે ભાજપનો ઝંડો મુસ્લિમ બાહુલ્ય ગામો-બંબુસર, વાલોડિયા, વાલેજ, સેગવા, ખાન, ચિફોન, લુવારા, જાનોદ, સમરોદ અને કોઠી ગામમાં લાગી ચૂક્યો છે. આ બધા ગામના લોકોએ હવે ભાજપના મૂળ વાક્ય ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ પર ભરોસો મૂક્યો છે.
રાજ્યમાં ભાજપનું શાસન છેલ્લા અઢી દાયકાથી છે, પણ ભરૂચ જિલ્લામાં પાર્ટીએ ભારે સંઘર્ષ કરવો પડ્યો છે, કેમ કે આ કોંગ્રેસનો ગઢ કહેવાય છે, કેમ કે અહીં મુસ્લિમ વસતિ વધુ છે. આવામાં ભાજપે કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવ્યા છે.
કોંગ્રેસમાં આ સમાચારથી હંગામો મચી ગયો છે. આ સમાચાર વાઇરલ થતાં ભરૂચ કોંગ્રેસના અધ્યક્ષ પરિમલ સિંહ રાણાએ એક ટીમની રચના કરી છે.