યૂએસ કેપિટોલ હિલ ખાતે ભારતીય સમુદાય દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી

વોશિંગ્ટનઃ શક્તિ અને એકતાના પ્રદર્શનમાં, અમેરિકામાં વસતા ભારતીયોનું પ્રતિનિધિત્વ કરતી 75 સંસ્થાઓનાં સભ્યોએ તાજેતરમાં એકત્ર થઈને અત્રે યૂએસ કેપિટોલ હિલ ખાતે ભારતની આઝાદીનાં 75 વર્ષની સમાપ્તિ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમની ઉજવણી કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પોતાનો અંગત સંદેશ મોકલ્યો હતો અને એમાં કહ્યું હતું કે, ‘આપણા પ્રવાસી ભારતીયો હંમેશાં આપણા દેશ માટે પ્રશંસનીય દૂત તરીકે સેવા બજાવતાં આવ્યાં છે. તેઓ જે સમાજો સાથે રહેતાં હોય ત્યાંની સંસ્કૃતિનો આદર કરીને, એ સમાજો સાથે હળીમળીને રહીને અને પોતાનું પ્રદાન કરીને તેમજ સાથોસાથ ભારતીય મૂલ્યોની સુવાસનો ફેલાવો કરતા રહે છે.’

મહોત્સવ ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થયેલી સંસ્થાઓમાં યૂએસ ઈન્ડિયા રીલેશનશિપ કાઉન્સિલ, સેવા ઈન્ટરનેશનલ, એકલ વિદ્યાલય ફાઉન્ડેશન, હિન્દુ સ્વયંસેવક સંઘ, GOPIO સિલિકોન વેલી, યૂએસ ઈન્ડિયા ફ્રેન્ડશિપ કાઉન્સિલ, સરદાર પટેલ ફંડ ફોર સનાતન સંસ્કૃતિનો સમાવેશ થાય છે. કાર્યક્રમનો થીમ હતોઃ ‘એકત્ર મજબૂતઃ અમેરિકા-ભારત ભાગીદારી.’

કાર્યક્રમમાં ઘણા ભારત તથા અમેરિકાના અનેક મહાનુભાવોએ પણ હાજરી આપી હતી. વક્તાઓએ પોતાનાં વિચારો વ્યક્ત કર્યાં હતાં.

યૂએસ પ્રમુખ બાઈડનના વહીવટીતંત્રમાં સેવા બજાવતા રાજ પંજાબીએ કહ્યું હતું કે વહીવટીતંત્રમાં 130 ભારતીય-અમેરિકનોને વિવિધ હોદ્દાઓ પર નિયુક્ત કરવામાં આવ્યાં છે. જે ગર્વની વાત છે.

અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધુએ કહ્યું હતું કે ભારત-અમેરિકા મિત્રતા ભારતની સ્વતંત્રતા જેટલી જૂની છે. બંને દેશની મિત્રતાને મજબૂત બનાવવામાં યૂએસ સંસદે વિશેષ ભૂમિકા ભજવી છે.