અમદાવાદ-ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચારકાર્યમાં તનમનધનથી મચી પડેલાં ભાજપ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં તેમના ટોચના નેતાઓના વિવિધ પ્રચાર કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યાં છે. જેમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શૉના આયોજન થયાં હતાં. આ બંને કાર્યક્રમને અમદાવાદ પોલિસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી.અમદાવાદ પોલિસે બંને પક્ષો દ્વારા કરાયેલી રોડ શૉની અરજીનો જવાબ આપતાં ભાજપ કોંગ્રેસને જણાવ્યું છે કે તેઓના રોડ શૉને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે જેને લઇને કેમની અરજીનો સ્વીકાર કરવામાં નહીં આવે. પોલિસ કમિશનર અનુપકુમારસિંહે જણાવ્યાં પ્રમાણે ભાજપ અનવે કોંગ્રેસે રોડ શૉ કરવાની મંજૂરી માગી હતી પરંતુ સુરક્ષા, લૉ એન્ડ ઓર્ડર અને લોકોની અસુવિધાને ધ્યાનમાં રાખી પોલિસે કાર્યક્રમને સ્વીકૃતિ આપી નથી.
આ બંને રોડ શૉ અમદાવાદના અતિવ્યસ્ત અને ભીડભર્યાં વિસ્તારોમાંથી પસાર થનાર હતાં જેના કારણે આ વિસ્તારની જનતાને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ હતું, રેલીના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાત જેને કારણે લોકોની સમસ્યાઓ ઘણી વધી જાત એટલા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શૉને મંજૂરી અપાઇ નથી.
આ બંને નેતાઓના સોમવારે ગુજરાતમાં ઘણાં સ્થળે કાર્યક્રમો આયોજિત થયાં છે. બીજા તબક્કાનું મતદાન 14મી તારીખે થવાનું છે ત્યારે 12 તારીખ સુધીની સમયમર્યાદામાં મહત્તમ લોકો સુધી પહોંચવાનો રાજકીય પક્ષોના નેતાઓનું લક્ષ્યાંક છે.