PM મોદી સી પ્લેન દ્વારા ધરોઈ ડેમ અને અંબાજી જશે

અમદાવાદ– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે રાત્રે 9.30 વાગ્યે રીવરફ્રન્ટમાં યોજાયેલી જાહેરસભામાં જાહેરાત કરી હતી કે કાલે મંગળવારે સરદાર બ્રિજ પાસે સાબરમતી નદીના પાણીમાં સી પ્લેન ઉતરશે. ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વખત આ પ્રયોગ થઈ રહ્યો છે. આ મોદી સી પ્લેનમાં બેસીને ધરોઈ ડેમ પાણીમાં ઉતરશે અને ત્યાંથી માં અંબાના દર્શન કરવા જશે.વડાપ્રધાન મોદીએ જાહેરસભાના અંતમાં કહ્યું હતું કે આમ તો મંગળવારે અમદાવાદમાં મારો રોડ શો હતો, પણ પોલીસ વહીવટીતંત્ર દ્વારા આ રોડ શોને પરવાનગી આપવામાં આવી નથી. જેથી હું કાલે ફ્રી હતો. અને વડાપ્રધાન બન્યા પછી હું મા અંબાના દર્શન કરવા ગયો નથી. જેથી કાલે મંગળવારે સવારે સાબરમતી નદીના પાણીમાં સી પ્લેન ઉતરશે, તેમાં બેસીને ધરોઈ ડેમ જઈશ અને પછી ત્યાંથી અંબાજી જઈશ, મા અંબાના દર્શન કરીને પાછો આ જ સાબરમતીમાં ઉતરીશ. કોંગ્રેસવાળાએ આવી કોઈ કલ્પના કરી હશે ખરી, એમ કહીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો.

પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે વિકાસની કોંગ્રેસને કલ્પના જ નહોતી કે ટુરિઝમ વધારવું હોય તો બધે એરપોર્ટ નહીં બની શકે માટે અમે વોટર વે બનાવવાની કામગીરી કરી રહ્યા છીએ અને 106 વોટર વે બનાવવાના છીએ.