ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદાનો મૃતદેહ અમદાવાદમાં સાબરમતી નદીમાંથી મળી આવ્યો

અમદાવાદ – ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહનો મૃતદેહ આજે અહીં ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજની વચ્ચે સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો.

84 વર્ષના સંતોક સિંહ પૌત્ર જસપ્રીતને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. તેઓ લાપતા થયા હોવાની એમની દીકરીએ શુક્રવારે બપોરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે અમદાવાદમાં જ રહે છે.

સંતોક સિંહ પોતે ઉત્તરાખંડમાં રહેતા હતા. જસપ્રીતના પિતા અને સંતોકસિંહના પુત્રનું વર્ષો પહેલાં નિધન થયું હતું.

અહેવાલો અનુસાર, જસપ્રીતનો ગઈ પાંચ ડિસેમ્બરે જન્મદિવસ હતો એટલે એને મળવા માટે સંતોક સિંહ અમદાવાદ આવ્યા હતા, પણ ભૂતકાળના કૌટુંબિક ઝઘડાને કારણે જસપ્રીતના માતા દલજીત કૌર અને બહેન જુહીકાએ સંતોક સિંહને જસપ્રીતને મળવા દીધા નહોતા.

એેને કારણે સંતોક સિંહ ચાલ્યા ગયા હતા. બાદમાં તેઓ લાપતા હોવાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

સંતોક સિંહના પુત્રી વસ્ત્રાપુર વિસ્તારમાં સોનલ એપાર્ટમેન્ટમાં રહે છે. સંતોક સિંહ ગઈ 1 ડિસેમ્બરે દીકરીના ઘેર આવ્યા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સંતોક સિંહ એમના પૌત્ર જસપ્રીતને મળવા માગતા હતા, પણ તેઓ મળી શક્યા નહોતા.

સંતોક સિંહ ઉત્તરાખંડના કિચ્ચા ગામમાં ઓટોરિક્ષા ચલાવતા હતા. એક સમયે એ સફળ વેપારી હતા, પરંતુ જસપ્રીતના પિતાનું નિધન થયા બાદ ધંધો પડી ભાંગ્યો હતો અને સંતોક સિંહને ધંધો વેચી દેવો પડ્યો હતો.

સંતોક સિંહે જસપ્રીતને ટીવી પર જોયો હતો અને તેઓ પૌત્રને મળવા માગતા હતા એટલે અમદાવાદ આવ્યા હતા.

પરંતુ જસપ્રીતના માતા દલજીત કૌર, જેઓ અમદાવાદની એક શાળામાં શિક્ષિકા છે, એમણે સસરા સંતોક સિંહને જસપ્રીતને મળવા કે વાત કરવા દીધી નહોતી. એમણે જસપ્રીતનો ફોન નંબર પણ એમને આપ્યો નહોતો. એને કારણે સંતોક સિંહ ખૂબ ભાંગી પડ્યા હતા અને શુક્રવારની બપોર પછી ઘેર પાછા ફર્યા નહોતા.

8 ડિસેમ્બરે સંતોક સિંહે ઝારખંડમાં રહેતા એમના પુત્ર બલવિન્દર સિંહને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હું હવે તારી સ્વર્ગસ્થ માતા પાસે જઈ રહ્યો છું. સંતોક સિંહે જસપ્રીતની બહેન જુહીકાને પણ ફોન કરીને કહ્યું હતું કે હું હવે તારા સ્વર્ગસ્થ પિતા પાસે જઈ રહ્યો છું.

જસપ્રીત બુમરાહ હાલ ધરમશાલામાં શ્રીલંકા સામે પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં રમી રહ્યો છે.