અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે, છતાં લોકો સમજવા તૈયાર નથી. કેટલાક લોકોમાં કોરોનાનો જરાય ડર નથી. જે લોકો કોરોના રોગચાળાને લીધે ઘરે રહ્યા હોય કે સરકારી નિયમોનું પાલન કરી રહ્યા છે, તેમની મહેનત પર પાણી ફરી રહ્યું છે. જેથી સરકારે નિયમોને વધુ આકરા બનાવવાની જરૂર છે. વડોદરામાં લગ્ન નિમિત્તે ડીજે પાર્ટી
કોરોનાની ગાઇડલાઇન મુજબ જાહેર કાર્યક્રમોમાં ગણતરીના લોકોને મંજૂરી છે, ત્યારે વડોદરાના નવાયાર્ડમાં ફૂલવાડી મહોલ્લામાં લગ્ન નિમિત્તે મધ્ય રાત્રિએ નિયમોનો છડેચોક ભંગ કરી ડીજે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈએ માસ્ક નહોતો પહેર્યો. ન તો કોઈ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું હતું. આ પ્રસંગનો વિડિયો સામે આવ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. ડીજે પાર્ટીના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ પાર્ટીમાં કુખ્યાત બુટલેગરો હાજર હોવાનો ખુલાસો થયો છે. ફતેગંજ પોલીસે મોડે-મોડે ગુનો દાખલ કર્યો. પોલીસે લગ્ન પાર્ટીમાં સામેલ પાંચ લોકોની અટકાયત કરી હતી.
પોલીસ કર્મચારીની પાર્ટીનો વિડિયો વાઇરલ
પૂર્વ-કચ્છના લોકલ ક્રાઇમ બ્રાન્ચના ચાર પોલીસ કર્મચારીઓનો પાર્ટી કરતો વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થયો હતો. જે બાદ તાત્કાલિક અસરથી તેની હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી. એ પછી કચ્છ પોલીસ વડા મયૂર પાટીલ દ્વારા વિડિયોમાં દેખાતા ચારેય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. IPC ની કલમ 169 તથા 188, એપેડેમીક એક્ટની કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની કલમ 51,56 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
સુરતમાં બર્થડે પાર્ટીનો વિડિયો વાઇરલ
સુરતમાં વારંવાર જાહેરમાં જન્મદિવસ ઊજવીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવામાં આવે છે ત્યારે વધુ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાઇરલ થતાં પોલીસ વિભાગ દોડતો થયો હતો. સુરતના કુખ્યાત ચિયા મલિકે તેના જન્મદિવસની ઉજવણી કરતી વખતે નિયમો નેવે મૂક્યા હતા. તેણે લોકો મોટી સંખ્યામાં એકત્ર કરી કરફ્યુનો ભંગ કર્યો હતો. આ બર્થડેની ઉજવણીનો વિડિયો સોશિયલ મિડિયા વાઇરલ થતા પોલીસે શરૂ કરી કાર્યવાહી હતી.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ખ્વાજા નગરમાં રહેતો અને માથાભારે સાથે કુખ્યાતની છાપ ધરાવતો ચિયા મલિકે પોતાના જન્મદિવસે ઊજવ્યો, ત્યારે અહીં માસ્ક નહીં પહેરવા સાથે લોકોએ સામાજિત અંતરના નિયમનો ભંગ કર્યો હતો. જોકે વગર મંજૂરીએ 100 કરતાં વધુ લોકોને એકત્ર કરી ગાઇડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.
