એક્વેટિક-ગેલેરી થકી ‘સાયન્સ સિટી’ દેશનું આકર્ષણ બનશેઃ રૂપાણી

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર લેશે. આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હસ્તે આ એક્વેટિક ગેલેરીનું ઉદઘાટન થશે અને એ રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે, તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું છે.

મુખ્ય પ્રધાન રૂપાણીએ સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ કરવા સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસ, વિરાસત આધુનિક વિજ્ઞાનના પાયા પર થઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થશે. આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ ગેલેરી આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યનાં બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઈ શકશે. રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી બાળકો-યુવાનોની વિજ્ઞાન જિજ્ઞાસાને વધુ પ્રબળ બનાવશે.

રાજ્યની ભાવિ પેઢી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે વિકાસ સાધી વિશ્વની બરાબરી કરવા સજ્જ બને એ માટે રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન-કેન્દ્રો અને ચાર સ્થળોએ પ્રાદેશિક મ્યુઝિયમ વિકસાવવામાં આવી રહ્યાં છે. મુખ્ય પ્રધાને આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલા નેચર પાર્કની પણ મુલાકાત લીધી હતી.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના સચિવ હરિત શુક્લાએ સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલા અને પ્રગતિમાં રહેલા મ્યુઝિકલ ફાઉન્ટેન, નવા થિયેટર, પ્લેનેટ અર્થ વિભાગ, એનર્જી પાર્ક, લાઇફ સાયન્સ વિભાગ અંગેની જાણકારી મુખ્ય પ્રધાનને આપી હતી. મુખ્ય પ્રધાનની આ મુલાકાત વેળાએ મુખ્ય સચિવ કે. કૈલાસનાથન, અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે, સાયન્સ સિટીના ડિરેક્ટર એસ.ડી.વોરા અને સાયન્સ સિટી ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.