રાજકોટમાં એસ્પરઝિલસ ફંગસના 100થી વધુ કેસ નોંધાયા

રાજકોટઃ રાજ્યમાં કોરોના પછી મ્યુકોરમાઇકોસિસ, ગેન્ગરીન બાદ એસ્પરઝિલસ નામની ફંગસે કહેર મચાવ્યો છે. એક બાજુ બાળકોમાં MIS-C રોગ ફેલાયો છે, ત્યારે રાજકોટમાં એસ્પરઝિલસના ફંગસે માથું ઊંચક્યું છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફંગસના 100થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. કોરોના બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને ફંગસ લાગવાની સંભાવના છે.

રાજકોટમાં કોરોના દર્દીઓમાં એસ્પરઝિલસ નામની ફંગસે દર્દીઓના શરીરમાં પ્રવેશ કર્યો છે. આ એસ્પરઝિલસની અંદર ન્યુમોનિયા જેવાં જ લક્ષણો જોવા મળે છે. જેમાં દર્દીને તાવ આવવો, કફનો ભરાવો અને કફમાં લોહી આવવું જેવાં લક્ષણો દેખાય છે તેમ જ કફનું સેમ્પલ લીધા બાદ રિપોર્ટ કરવામાં આવે છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, અસ્થમા હોય, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા હોય તેવા લોકોને એસ્પરઝિલસ થવાના ચાન્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

રાજકોટના ફેફસાંના નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે સિવિલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે. સામાન્ય દિવસોમાં પણ એસ્પરઝિલસના કેસ નોંધાતા હતા. જોકે હવે કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા થયા છે, સાથે સાથે એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઇન્ફેક્શનના પ્રમાણમાં પણ બે ગણો વધારો નોંધાયો છે.

આ રોગના જાણકારોનું કહેવું છે કે આ રોગ મ્યકોરમાઇકોસિસ જેટલો ઘાતક નથી, પણ એની સારવાર કરાવવી જરૂરી છે.