કંગનાએ પહેલી જ વાર સુવર્ણમંદિરમાં દર્શન કર્યા

અમૃતસરઃ બોલીવુડ અભિનેત્રી અને હાલમાં જ મુંબઈમાં કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજી થયેલી કંગના રણોતે આજે અહીં શીખ સમુદાયના આસ્થાસ્થળ સુવર્ણમંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. કંગનાએ તેનાં પરિવારજનો સાથે આ મંદિરની મુલાકાત લીધી હતી. એણે પોતાનાં જીવનમાં આ મંદિર પહેલી જ વાર જોયું છે અને તેની ભવ્યતા જોઈને રોમાંચિત બની ગઈ હતી. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ મંદિરની તસવીરો પોસ્ટ કરી છે અને સાથે કેપ્શનમાં લખ્યું છે કે મંદિરની સુંદરતા અને દિવ્યતા જોઈને પોતે ચકિત રહી ગઈ હતી.

કંગનાએ લખ્યું છે કે મારો જન્મ ભલે ઉત્તર ભારતમાં (હિમાચલ પ્રદેશના મનાલીમાં) થયો હતો અને અહીં જ મારો ઉછેર થયો છે. મારાં પરિવારનાં લગભગ દરેક સભ્યો સુવર્ણ મંદિરમાં આ પહેલાં પણ દર્શન કરી ચૂક્યાં છે, પરંતુ મને અહીં આવવાનો આ પહેલી જ વાર મોકો મળ્યો હતો. મંદિરની સુંદરતા અને દિવ્યતા જોઈને હું એટલી બધી ચકિત થઈ ગઈ છું કે મારી પાસે એનું વર્ણન કરવા માટે શબ્દો નથી.