નવી દિલ્હીઃ વાવાઝોડું ‘બિપરજોય’ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. આ વાવાઝોડાની અસરે અનેક તટીય વિસ્તારોમાં જોવા મળી શકે છે. વાવાઝોડાને પગલે ભાર વરસાદની આશંકા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર એ આગામી 24 કલાકમાં ઉત્તર-ઉત્તરપૂર્વની દિશામાં આગળ વધી શકે છે. વિભાગે ત્રણ દિવસમાં કેરળ, તટીય કર્ણાટક અને લક્ષદ્વીપમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે.
રાજ્યના અનેક વિસ્તારમાં આના કારણે આજે ધોધમાર વરસાદ અથવા ઝાપટા પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પોરબંદર, અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. બિપરજોયને લઈ રાજ્યના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર સાબદા બન્યા છે. રાજ્યનાં તમામ બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. વાવાઝોડું દક્ષિણ પ્રશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. હવે ધીમે ધીમે નજીક આવી રહ્યુ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો.
વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે વાવાઝોડાને પગલે પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. આ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.
વહીવટી તંત્રના અધિકારીઓએ પુષ્ટિ કરી કે NDRF અને SDRFની ટીમો પહેલાથી જ કેટલાક વિસ્તારોમાં તહેનાત કરવામાં આવી છે.